Site icon Revoi.in

નિજ્જર કેસમાં કેનેડા પુરાવા આપે ભારત તપાસ કરવા તૈયારઃ ડો. એસ.જયશંકર

Social Share

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, ભારત સરકાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડાયેલી તપાસનો ઇનકાર કરી રહી નથી. પરંતુ કેનેડાની સરકારે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાના પોતાના દાવાને સાબિત કરવા માટે પુરાવા દર્શાવવા જોઈએ. હાલ વિદેશ મંત્રી ડો. એસજયશંકર બ્રિટનના પ્રવાસે છે, જ્યાં તેમણે એક કાર્યક્રમમાં ચીન અને કેનેડા સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.

બ્રિટનની રાજધાની લંડનમાં ઉત્તર પ્રદેશના લોકરીમાંથી ચોરાયેલી 8મી સદીની મંદિરની મૂર્તિઓ યોગિની ચામુંડા અને યોગિની ગોમુખીના પરત સમારંભમાં ડો. જયશંકર ઉપસ્થિત રહ્યાં હતા. અહીં તેમણે કેનેડા અને તેના દ્વારા કરવામાં આવેલા આરોપો વિશે વાત કરી હતી. વિદેશ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બે મહિના પહેલા જસ્ટિન ટ્રુડોની સરકારે નિજ્જરની હત્યા માટે ભારતીય એજન્ટો પર આરોપ લગાવ્યો હતો અને ભારતના ટોચના રાજદ્વારીને ઓટાવા છોડવા કહ્યું હતું.

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, અમે કેનેડાના લોકોને કહ્યું છે. મુદ્દો એ છે કે અમને લાગે છે કે કેનેડાના રાજકારણમાં હિંસક અને ઉગ્રવાદી રાજકારણને સ્થાન મળ્યું છે. જેનું મુખ્ય કામ હિંસક માધ્યમો સહિત ભારતમાં અલગતાવાદની વાત કરવાનું છે. તેમણે કહ્યું કે આ લોકો કેનેડાના રાજકારણમાં ભળી ગયા છે. તેમને તેમના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. પરંતુ વાણી કે અભિવ્યક્તિની સ્વતંત્રતા એક જવાબદારી સાથે આવે છે.

જયશંકરે કહ્યું કે, આ સ્વતંત્રતાઓનો દુરુપયોગ અને રાજકીય હેતુઓ માટે તેનો દુરુપયોગ સહન કરવો યોગ્ય નથી. જો તમારી પાસે આવો આરોપ લગાવવાનું કોઈ કારણ હોય, તો કૃપા કરીને અમારી સાથે પુરાવા શેર કરો. અમે તપાસનો ઇનકાર કરી રહ્યા નથી. ચીન વિશે વાત કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે ચીનનો ઉદય એક વાસ્તવિકતા છે, પરંતુ તેટલો જ વાસ્તવિક ભારતનો ઉદય પણ છે. ઊંચાઈ અલગ હોઈ શકે છે. તેઓ માત્રાત્મક અથવા ગુણાત્મક રીતે સમાન ન હોઈ શકે. ભારત અને ચીનની સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક છે. તેમણે કહ્યું કે કેટલીક બાબતો એવી છે જેને ઓળખવાની જરૂર છે. આપણે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા છીએ.