Site icon Revoi.in

ભારત હવે મોબાઈલ ઉત્પાદનમાં વિશ્વમાં બીજા ક્રમે,200 કરોડ યુનિટ નિર્માણનો આંકડો કર્યો પાર

Social Share

દિલ્હી: ભારત ટેક્નોલોજી ક્ષેત્રે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. ફોન ઉત્પાદનમાં દેશ અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે. ભારત હવે વિશ્વનો બીજો સૌથી મોટો ફોન ઉત્પાદક દેશ બની ગયો છે. દેશમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે.

ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગનો યુગ ઘણા સમય પહેલા શરૂ થયો હતો. સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગમાં દેશ ઘણો આગળ આવ્યો છે. લોકપ્રિય સ્માર્ટફોન કંપનીઓ Samsung, Apple, Xiaomi, Oppo, Nothing ના સ્માર્ટફોન ભારતમાં બની રહ્યા છે.

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચનો નવો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, હવે ભારતમાં ફોન મેન્યુફેક્ચરિંગનો આ આંકડો 2 અબજ એટલે કે 200 કરોડને પાર કરી ગયો છે. અહેવાલ મુજબ શિપમેન્ટ્સે 23% ની CAGR નોંધાવી છે.

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના આ રિપોર્ટમાં મેક ઈન ઈન્ડિયા, પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ અને આત્મનિર્ભર ભારત જેવી સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના ડાયરેક્ટર તરુણ પાઠકના જણાવ્યા અનુસાર દેશમાં સ્થાનિક મેન્યુફેક્ચરિંગ દર વર્ષે વધી રહ્યું છે. દેશમાં સ્થાનિક ઉત્પાદનને કારણે સ્થાનિક માંગને વધુ સારી રીતે સંતોષી શકાય છે.

વર્ષ 2022માં ભારતીય બજારોમાં મેડ ઈન ઈન્ડિયા ઉપકરણોનું શિપમેન્ટ 98 ટકાથી વધુ રહ્યું છે. વર્ષ 2014માં આ આંકડો માત્ર 19 ટકા હતો.

દેશમાં મેક ઇન ઇન્ડિયા પહેલ વિશે વાત કરતાં, સરકારે આ પહેલમાં તબક્કાવાર મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામની સ્થાપના કરી છે. સરકારે દેશની બહાર ઉત્પાદિત એકમો પરની આયાત જકાત વધારીને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું હતું.