Site icon Revoi.in

UNSCની બેઠકમાં ભારતે પાકિસ્તાનને ખખડાવ્યું: જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે

Social Share

નવી દિલ્હી, 24 જૂન 2026: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિષ્ઠિત ‘એરિયા ફોર્મ્યુલા’ બેઠકમાં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર વૈશ્વિક મંચ પર આકરા શબ્દોમાં સણસણતો જવાબ આપ્યો છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી પાયાવિહોણી અને ઉશ્કેરણીજનક ટિપ્પણીઓને ભારતે સદંતર ફગાવી દીધી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ સ્પષ્ટ શબ્દોમાં ગર્જના કરતા જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું જ અભિન્ન અંગ છે અને તે સંપૂર્ણપણે ભારતની આંતરિક બાબત છે.

બેઠક દરમિયાન ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ પાકિસ્તાનની મેલી મુરાદને ખુલ્લી પાડતા જણાવ્યું હતું કે, આ અત્યંત આશ્ચર્યજનક અને ખેદજનક છે કે આ બેઠકનું સહ-અધ્યક્ષ હોવા છતાં પાકિસ્તાને ‘એરિયા ફોર્મ્યુલા’ બેઠકનો દુરુપયોગ કર્યો છે. પાકિસ્તાને પોતાના સંકુચિત અને નકારાત્મક એજન્ડાને આગળ વધારવા માટે ભારતની સાર્વભૌમત્વતા પર બિનજરૂરી ટિપ્પણીઓ કરીને સંયુક્ત રાષ્ટ્રના આ પવિત્ર મંચનું રાજકીયકરણ કરવાનો હીન પ્રયાસ કર્યો છે.

પાકિસ્તાનને અરીસો બતાવતા ભારતીય રાજદ્વારીએ ભારપૂર્વક કહ્યું કે, “કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સંપૂર્ણપણે ભારતની આંતરિક બાબતો છે. જમ્મુ-કાશ્મીર ભૂતકાળમાં પણ ભારતનો એક હિસ્સો હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ હંમેશા ભારતનું જ અભિન્ન અંગ રહેશે. આ સત્યને કોઈ બદલી શકશે નહીં.” આ બેઠકમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ‘ચેપ્ટર 6’ અને ‘ચેપ્ટર 7’ના મહત્વ પર પણ ખાસ ભાર મૂક્યો હતો. ભારતે સમજાવ્યું હતું કે આ બંને પ્રકરણોને લાગુ કરવાની પ્રક્રિયા, નિયમો અને ભૌગોલિક પરિસ્થિતિઓ તદ્દન અલગ-અલગ હોય છે, જેને હાલની વાસ્તવિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જ અમલમાં મૂકી શકાય.

ભારતે વૈશ્વિક શાંતિ માટે ‘ચેપ્ટર 7’ ના મહત્વને રેખાંકિત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકરણ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે પણ વૈશ્વિક શાંતિ જોખમાય અથવા કોઈ દેશ આક્રમક વલણ અપનાવે, ત્યારે આ પ્રકરણ અંતર્ગત સૈન્ય કાર્યવાહી અને શાંતિ રક્ષકોની તૈનાતી જેવા કડક પગલાં લેવાની જોગવાઈ છે. હરીશ પર્વતનેનીએ વિશ્વ સમક્ષ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો ચેપ્ટર 7 હેઠળ સમયસર જરૂરી અને કડક પગલાં લેવામાં ન આવે, તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. તેનાથી વૈશ્વિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા વધુ કથળી શકે છે, જે સંયુક્ત રાષ્ટ્રના મૂળ ઉદ્દેશ્યો અને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે.

Exit mobile version