Site icon Revoi.in

ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરારથી ભારતીય નિકાસકારો માટે અમેરિકાના દ્વાર ખુલ્યા

Social Share

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: ભારત અને અમેરિકાના આર્થિક સંબંધોમાં આજે એક નવો અધ્યાય જોડાયો છે. બંને દેશો વચ્ચે 500 અબજ ડોલર (આશરે રૂ. 45.29 લાખ કરોડ) ના વ્યાપારિક કરાર માટેના વચગાળાના માળખા પર સહમતી સધાઈ છે. આ સમજૂતી હેઠળ ભારતીય નિકાસકારોને અમેરિકાના 30 ટ્રિલિયન ડોલરના વિશાળ બજારમાં ‘મોસ્ટ પ્રિફર્ડ ડ્યુટી’ સાથે પ્રવેશ મળશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે શનિવારે આ ડીલ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સમજૂતી ‘વિકસિત ભારત 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વની સાબિત થશે.

વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, “અમેરિકાએ ચીન પર 35 ટકા અને બાંગ્લાદેશ-વિયેતનામ જેવા દેશો પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે, જ્યારે ભારતની ઘણી વસ્તુઓ હવે ‘ઝીરો ડ્યુટી’ એટલે કે કોઈ પણ શુલ્ક વગર અમેરિકામાં પ્રવેશશે. જે વસ્તુઓ પર અગાઉ 50 ટકા ટેરિફ લાગતો હતો, તે હવે શૂન્ય થઈ ગયો છે. આ ભારતની મોટી રાજદ્વારી અને આર્થિક જીત છે.” આ કરારથી ભારતીય ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને સીધો ફાયદો થશે. હવે ભારતથી કેરી, કેળા, જામફળ, કીવી, પપૈયા, અનાનસ અને મશરૂમ જેવા તાજા ફળો કોઈ પણ આયાત શુલ્ક વગર અમેરિકા મોકલી શકાશે. આ ઉપરાંત ચા, મસાલા, નાળિયેર તેલ, સોપારી અને બેકરી પ્રોડક્ટ્સ પરથી પણ ટેરિફ હટાવી લેવામાં આવ્યો છે. જોકે, ભારતે પોતાના સ્થાનિક ખેડૂતોના હિતોનું રક્ષણ કરતા બટાકા, વટાણા, ડુંગળી અને સંતરા જેવા અમેરિકન ઉત્પાદનોની આયાત પર છૂટ ન આપવાનો મક્કમ નિર્ણય લીધો છે.

ભારતના રત્ન અને આભૂષણો તેમજ દવાઓના નિકાસ પર હવે અમેરિકામાં કોઈ શુલ્ક લાગશે નહીં. આનાથી ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને મોટું પ્રોત્સાહન મળશે અને વૈશ્વિક બજારમાં ભારતની સ્પર્ધાત્મકતા વધશે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે આ સમજૂતી રોજગારીની નવી તકો ઉભી કરશે. ફેબ્રુઆરી 2025માં શરૂ થયેલી આ વેપાર વાટાઘાટો અંતે સફળ રહી છે. પિયુષ ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વના વખાણ કરતા કહ્યું કે, બંને નેતાઓના દૂરંદેશી અભિગમને કારણે આ શક્ય બન્યું છે. સમગ્ર દેશમાં આ ઐતિહાસિક જાહેરાત બાદ ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં નવા પ્રવાસન સ્થળો વિકસાવવાની યોજનામાં શક્ય તમામ મદદ પૂરી પાડશે સરકારઃ અમિત શાહ

Exit mobile version