Site icon Revoi.in

કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-20માં ભારતની જીત,પાકિસ્તાનને 8 વિકેટથી આપ્યો પરાજય 

Social Share

મુંબઈ:કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એકતરફી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું.આ મેચમાં ટીમ ઈન્ડિયાને માત્ર 100 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં સ્મૃતિ મંધાનાની શાનદાર ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાએ તેને આસાનીથી હાંસલ કરી લીધું હતું, સ્મૃતિએ વિનિંગ સિક્સર લગાવીને મેચનો અંત લાવી દીધો હતો.કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની આ પ્રથમ જીત છે.

આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે તેના માટે ખોટો સાબિત થયો હતો.વરસાદના કારણે મેચ 18 ઓવરની કરવામાં આવી હતી, જે બાદ પાકિસ્તાની ટીમ ભારતીય બોલરોની સામે પત્તાની જેમ પડી ભાંગી હતી.પાકિસ્તાને 18 ઓવરમાં 99 રન બનાવ્યા હતા અને આખી ટીમ આઉટ થઈ ગઈ હતી.જવાબમાં ભારતે 12મી ઓવરમાં જીત મેળવી હતી અને માત્ર બે વિકેટ ગુમાવી હતી.

ટીમ ઈન્ડિયાની બેટિંગ શરૂ થઈ ત્યારે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ટીમને જબરદસ્ત શરૂઆત અપાવી હતી.શેફાલી વર્મા 9 બોલમાં 16 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, આ દરમિયાન તેણે શાનદાર સિક્સ પણ ફટકારી હતી.શેફાલી અને સ્મૃતિ વચ્ચે માત્ર 35 બોલમાં 64 રનની ભાગીદારી થઈ હતી.

જો સ્મૃતિ મંધાનાની વાત કરીએ તો તેણે માત્ર 42 બોલમાં 63 રનની ઝડપી ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં સ્મૃતિએ 8 ચોકા અને 3 સિક્સર ફટકારી હતી.લાંબા સમયથી મોટી ઇનિંગની રાહ જોઈ રહેલી સ્મૃતિ મંધાનાએ પાકિસ્તાનના બોલરો પર કહેર મચાવ્યો હતો.

આ મોટી જીત સાથે ટીમ ઈન્ડિયા પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગઈ છે.ભારતના બે પોઈન્ટ છે, પરંતુ તેનો નેટ રન રેટ ઘણો ઊંચો છે.પાકિસ્તાન તેની શરૂઆતની બંને મેચ હારી ચૂક્યું છે અને તે ગ્રુપમાં સૌથી નીચે છે.