નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026 : બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારને લઈને ભારતીયોમાં રોષ ફેલાયો છે. જેને લઈને આગામી આઈપીએલમાં બાંગ્લાદેશી ખેલાડી મુસ્તિફિજુર રહેમાનને કેકેઆરમાંથી નહીં રમાડવાની માંગણી ઉઠી રહી છે ત્યારે આજે ચોંકાવનારી વિગતો સામે આવી છે. હવે ભારતીય ટીમ ક્રિકેટ મેચ રમવા માટે બાંગ્લાદેશ જશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ 2 જાન્યુઆરીએ વર્ષ 2026નું શિડ્યુલ જાહેર કર્યું છે, જે મુજબ ભારતીય ટીમ આગામી સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશના પ્રવાસે જશે.
ભારતીય ટીમ આ પ્રવાસ દરમિયાન યજમાન બાંગ્લાદેશ સામે 3 મેચોની વન-ડે શ્રેણી અને 3 મેચોની ટી-૨૦ શ્રેણી રમશે. બાંગ્લાદેશ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ, તા. 1,3 અને 6 સપ્ટેમ્બરના રોજ વન-ડે મેચ રમાશે. આવી જ રીતે 9,12 અને 13 સપ્ટેમ્બરના રોજ ટી-20 સિરીઝ રમાશે.
છેલ્લા એક વર્ષમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા બહિષ્કારના અભિયાનો વચ્ચે આ પ્રવાસની જાહેરાત એક નવા વિવાદને જન્મ આપી શકે છે. રમતગમતના જાણકારોનું માનવું છે કે સુરક્ષા અને રાજકીય માહોલને જોતા આ શ્રેણીના આયોજન પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થઈ શકે છે.
તાજેતરમાં જ સંપન્ન થયેલા આઈપીએલ ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.2 કરોડની તોતિંગ કિંમતે ખરીદ્યો હતો. શાહરુખ ખાનની ટીમ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો સોશિયલ મીડિયા પર અને રાજકીય સ્તરે ભારે વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીસીસીઆઈ (BCCI) એ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશી ખેલાડીઓ પર હાલ કોઈ પ્રતિબંધ લાદવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ શાહરૂખ ખાનના વલણની ઓલ ઈન્ડિયા ઈમામ સંગઠનના વડાએ કરી ટીકા

