Site icon Revoi.in

ભારતીય રેલવેની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનને સુપરફાસ્ટનો દરજ્જો અપાયો

Social Share

નવી દિલ્હીઃ રેલ્વેએ દેશભરની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનો દરજ્જો આપીને તમામ વર્ગોના ભાડામાં વધારો કર્યો છે. આ અંતર્ગત ટ્રેનના એસી-1 અને એક્ઝિક્યુટિવ ક્લાસમાં રૂ. 75 પ્રતિ પેસેન્જર, એસી-2, 3, ચેર કારમાં રૂ. 45 અને સ્લીપર ક્લાસમાં રૂ. 30 પ્રતિ પેસેન્જરનો વધારો કરવામાં આવ્યો છે. આમ, PNR (છ પેસેન્જર) બુક કરાવવા માટે મુસાફરોએ એસી-1માં રૂ. 450, એસી-2માં રૂ. 270, 3 અને સ્લીપરમાં રૂ. 180 વધારાના ચૂકવવા પડશે. જોકે, આ તમામ ટ્રેનોમાં કેટરિંગ, પેસેન્જર સુરક્ષા કે સુવિધાઓમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રેલવેએ આ વસ્તુ પર એક પણ પૈસો ખર્ચ્યા વિના તમામ વર્ગોમાં ભાડું વધાર્યું છે. રેલ્વે નિયમો અનુસાર, સરેરાશ 56 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનોને ટાઇમ ટેબલમાં સુપરફાસ્ટનો દરજ્જો આપવામાં આવે છે.

ચાર દાયકાથી મેલ-એક્સપ્રેસ ટ્રેનોની સરેરાશ સ્પીડ 50 થી 58 kmph છે, જ્યારે રેલ્વેની પ્રીમિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો ટ્રેનો વગેરેની સરેરાશ સ્પીડ 70-85 kmph છે. 15-20% ટ્રેનો ક્યારેય તેમના ગંતવ્ય પર સમયસર પહોંચતી નથી. 60% ટ્રેનો 15-20 મિનિટ મોડી પહોંચે છે. નવા રેલવે ટાઈમ ટેબલ 2022-23માં મોટી સંખ્યામાં પેસેન્જર ટ્રેનોને મેલ-એક્સપ્રેસનો દરજ્જો આપવામાં આવ્યો છે. આનો સીધો અર્થ એ છે કે, આ ટ્રેનોમાં રોજના લાખો મુસાફરો મુસાફરી કરી શકશે નહીં, કારણ કે વધેલું ભાડું પ્રવાસીઓને મોંઘુ પડશે. ટિકિટ વિના મુસાફરી કરવા પર, ભાડું અને દંડ બંને વસૂલવામાં આવશે. આ સિવાય મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં બેઝિક ભાડા ઉપરાંત રિઝર્વેશન ચાર્જ, સુપરફાસ્ટ ચાર્જ સહિત જીએસટી વસૂલવામાં આવે છે.