Site icon Revoi.in

ભારતીય ટીમે પાકિસ્તાનને આપી કારમી હાર,હોકીમાં રચ્યો ઈતિહાસ

Social Share

મુંબઈ : ભારતીય જુનિયર હોકી ટીમે પોતાનો દબદબો શરુ રાખતા કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવીને ચોથી વખત એશિયા કપ ટાઇટલ જીતી લીધું છે. અંગદ બીર સિંહે 13મી મિનિટે, અરિજીત સિંહે 20મી મિનિટે ગોલ કર્યો હતો. પાકિસ્તાન માટે અબ્દુલ બશારતે 37મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં અજેય પ્રદર્શન કરનાર ભારતીય ટીમે મલેશિયામાં યોજાનાર ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) મેન્સ જુનિયર વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે.

આ પહેલા ભારતે 2004, 2008 અને 2015માં જુનિયર એશિયા કપ હોકીનો ખિતાબ જીત્યો હતો. પાકિસ્તાને આ ટુર્નામેન્ટ ત્રણ વખત (1987, 1992 અને 1996) જીતી છે.

અંગદબીરે અરિજીતના શોટ પર ગોલપોસ્ટ સુધી પહોંચીને પહેલો ગોલ કર્યો હતો. અરિજિતે 2-0થી લીડ બનાવી લીધી હતી. ઈન્ટરવલ બાદ પાકિસ્તાનને ગોલ કરવામાં સફળતા મળી હતી. છેલ્લા ક્વાર્ટરમાં પાકિસ્તાને બરાબરી કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય ડિફેન્સ તૈયાર હતું. ભારતીય કેપ્ટન ઉત્તમ સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

આ માટે હોકી ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ બોર્ડે ટીમના ખેલાડીઓને 2-2 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

ભારતના ગ્રુપમાં પાકિસ્તાન, થાઈલેન્ડ, જાપાન અને ચાઈનીઝ તાઈપેઈની ટીમ સામેલ હતી. ભારતે ગ્રુપ મેચોમાં 39 ગોલ કર્યા હતા, જ્યારે તેની સામે માત્ર બે ગોલ થયા હતા. એકંદરે, ભારતે આ ટુર્નામેન્ટમાં 50 ગોલ કર્યા છે અને તેને માત્ર 4 ગોલ કર્યા છે.