Site icon Revoi.in

ભારતીય ટીમનો ઈજાગ્રસ્ત ખેલાડી હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની મેચ નહીં રમે

Social Share

નવી દિલ્હીઃ ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 22 ઓક્ટોબરે ધર્મશાલામાં યોજાનારી ન્યૂઝીલેન્ડ સામેની ભારતની આગામી મેચમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે અપડેટ જારી કર્યું છે. હાર્દિકની હેલ્થ અપડેટ આપતાં BCCIએ કહ્યું- ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટન હાર્દિક પંડ્યાને પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની ભારતની મેચ દરમિયાન પોતાની બોલિંગ પર ફિલ્ડિંગ કરતી વખતે ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી.

BCCIએ કહ્યું- ઓલરાઉન્ડરને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો અને તેને આરામની સલાહ આપવામાં આવી છે. BCCIની મેડિકલ ટીમની સતત દેખરેખ હેઠળ રહેશે. તે 20 ઓક્ટોબરે ટીમ સાથે ધર્મશાલા જશે નહીં અને હવે તે સીધો લખનૌમાં ટીમ સાથે જોડાશે જ્યાં ભારત ઈંગ્લેન્ડ સામે રમશે.

બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન હાર્દિકે જમણા પગથી લિટન દાસના શોટને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને તેના ડાબા પગ પર ખોટી રીતે જમીન પડી હતી. આ પછી, મેદાનમાંથી ઉઠતી વખતે, તે ખૂબ જ પીડામાં જોવા મળ્યો હતો અને લંગડાતો હતો. થોડી જ વારમાં ફિઝિયોને મેદાનમાં બોલાવવામાં આવ્યો. આ દરમિયાન તેની સાથે બે સિનિયર ખેલાડી વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા પણ હતા. ફિઝિયોના આગમન બાદ મેચ લગભગ પાંચ મિનિટ માટે બંધ થઈ ગઈ હતી.

ભારતમાં હાલ આસીસી વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. ભારત અત્યાર સુધીમાં વર્લ્ડકપની ચાર મેચ રમ્યું છે. આ તમામ મેચમાં ભારતનો વિજય થયો છે. આઈસીસી વર્લ્ડકપના પોઈન્ટ ટેબલ ઉપર ભારત બીજા ક્રમે છે.