Site icon Revoi.in

હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલા અંગે ભારતની ચિંતા: સુરક્ષા પરિષદમાં રશિયા-ચીનના વીટો પર તટસ્થ વલણ જાળવ્યું

Social Share

વોશિંગ્ટન, 17 એપ્રિલ 2026: વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ શિપિંગ પર થઈ રહેલા હુમલાઓ અંગે ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જોકે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં ઈરાન વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવ પર રશિયા અને ચીન દ્વારા કરવામાં આવેલા વીટોના મામલે ભારતે કોઈ પણ પક્ષ લેવાને બદલે તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો છે. યુએન જનરલ એસેમ્બલીની બેઠકમાં વીટો પર ચર્ચા દરમિયાન ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે જણાવ્યું હતું કે, “અમે તમામ દેશોને વિવાદો ઉકેલવા માટે વાતચીત અને ડિપ્લોમેસીનો માર્ગ અપનાવવા તથા તણાવ ઘટાડવા અપીલ કરીએ છીએ. તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન થવું અનિવાર્ય છે.”

પોતાના સંબોધનમાં પી. હરીશે સ્પષ્ટ કર્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ ભારતની ઉર્જા અને આર્થિક સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. વિશ્વના કુલ તેલ પરિવહનનો 20 ટકા હિસ્સો આ માર્ગે પસાર થાય છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “આ સંઘર્ષમાં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં નિર્દોષ ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા છે. નાવિકોના જીવ જોખમમાં મૂકવા અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં અવરોધ ઊભો કરવો તે વૈશ્વિક કાયદાનું ઉલ્લંઘન છે.”

7 એપ્રિલના રોજ બહેરીન દ્વારા ઈરાન સામે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ઈરાનને શિપિંગ પરના હુમલા રોકવા માંગ કરાઈ હતી. રશિયા અને ચીને આ પ્રસ્તાવ પર વીટો વાપરી તેને અટકાવી દીધો હતો. રશિયાના મતે આ પ્રસ્તાવ એકતરફી હતો અને તેમાં અમેરિકા-ઈઝરાયેલની ઉશ્કેરણીજનક કાર્યવાહીની અવગણના કરવામાં આવી હતી. બીજી તરફ, અમેરિકાએ આક્ષેપ કર્યો હતો કે ઈરાન દક્ષિણ એશિયામાં જરુરી ખાતર અને અન્ય પુરવઠો અટકાવીને ખાદ્ય સંકટ પેદા કરી રહ્યું છે. ભારતે વીટો મામલે ભલે તટસ્થતા દાખવી હોય, પરંતુ અગાઉ 11 માર્ચે બહેરીનના તે પ્રસ્તાવનું સહ-પ્રાયોજક બન્યું હતું જેમાં ઈરાન દ્વારા પડોશી દેશો પરના હુમલાની નિંદા કરવામાં આવી હતી. ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષિત વ્યાપારિક માર્ગનો આગ્રહી છે.

આ પણ વાંચોઃ મની લોન્ડરિંગ અને જમીન કૌભાંડ મામલે પંજાબના મંત્રી સંજીવ અરોરાને ત્યાં EDના દરોડા

Exit mobile version