Site icon Revoi.in

ભારતે નીભાવ્યો પડોશી ધર્મઃ નેપાળમાં 71 શાળાઓના પુનઃનિર્માણ માટે આર્થિક સહાય

Social Share

દિલ્હીઃ ભારત સરકાર દ્વારા પ્રથમ પડોશી પોલીસી હેઠળ નેપાળ અને બાંગ્લાદેશ સહિતના પડોશી દેશોને કોરોનાની રસી આપી છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા પડોશી દેશોને અવાર-નવાર મદદ કરવામાં આવે છે. દરમિયાન નેપાળમાં 2015માં આવેલા ભૂકંપથી પ્રભાવિત થયેલી 71 શાળાઓના પુનઃનિર્માણ માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. ભારત સરકાર 50 મિલિયન ડોલરની સહાય કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર નેપાળમાં વર્ષ 2015માં ભૂકંપ આવ્યો હતો. જેમાં અનેક ઈમારતોને ક્ષતિ થઈ હતી. દરમિયાન 70 શાળાઓના નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમાંથી આઠ શાળાઓને પુનર્નિર્માણ બાદ શાળા સંચાલન સમિતિઓને સોંપવામાં આવી છે. તાજેતરમાં રોશની પાલિકા સ્થિત હરિસિદ્ધિ માધ્યમિક શાળા અને મહાભારત પાલિકાની સિદ્ધેશ્વર માધ્યમિક શાળા માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. હરિસિદ્ધિ માધ્યમિક શાળાના પુનર્નિર્માણ માટે રૂ. 28.4 મિલિયન નેપાળી રૂપિયા નો ખર્ચ થશે, જ્યારે સિદ્ધેશ્વર શાળાના પુનર્નિર્માણ માટે 39.6 મિલિયન નેપાળી રૂપિયા નો ખર્ચ થશે. આ શાળાઓ ભૂકંપ પ્રતિરોધક પુનર્નિર્માણના ધોરણો અનુસાર બનાવવામાં આવશે.

નોંધનીય છે કે, એપ્રિલ 2015 માં નેપાળના વિનાશક ભૂકંપમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8 લાખથી વધુ મકાનો ધરાશાયી થયાં હતાં. ભારતે શાળાઓ ઉપરાંત આવાસ, આરોગ્ય અને સાંસ્કૃતિક વારસો ક્ષેત્રોમાં પુનર્નિર્માણ પ્રોજેક્ટ્સ માટે 200 મિલિયન યુએસ ડોલરની ગ્રાન્ટ આપી છે.