Site icon Revoi.in

વૈશ્વિક મંચો પર ભારતની ભૂમિકા અને સ્થાન મજબૂત બન્યા: મુખ્યમંત્રી

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરમા યુનિવર્સિટીની ઇન્સ્ટિટયૂટ ઑફ લૉ દ્વારા આયોજિત મોડલ યુનાઇટેડ નેશન્સ 2.0 કૉન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાશક્તિને ન્યૂ એજ વોટર નહિ ન્યૂ એજ પાવર બનાવવાની ખેવના રાખી છે. યુવાનોની પ્રતિભા વિકસાવવા માટેના મંચ પૂરા પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યુથ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

મૉડલ યુનાઇટેડ નેશન્સ 2.0 વિષય પર યોજાઈ રહેલી બે દિવસીય કૉન્ફરન્સમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે. વૈશ્વિક મંચો પર ભારતની ભૂમિકા અને સ્થાન મજબૂત બન્યા છે. યુ.એન જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર વડાપ્રધાનની પહેલથી વિશ્વ યોગ દિવસ મનાવવાનું શરૂ થયું અને 2023નું વર્ષ મિલેટ્સ યર તરીકે ઊજવાઈ રહ્યું છે. મહાસત્તાઓ માટે પણ ભારતનો દૃષ્ટિકોણ મહત્ત્વપૂર્ણ બન્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ભારત આજે જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે. પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે નામના ધરાવતા આપણા રાજ્યને જી-20ની ૧૫ જેટલી બેઠકોની યજમાની કરવાની તક મળી છે, એ ગૌરવની વાત છે. છેલ્લાં ૯ વર્ષમાં યુવા પેઢીનો રાજકારણ તથા વૈશ્વિક પ્રવાહો પ્રત્યે જોવાનો અભિગમ બદલાયો છે, એમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે યુવાનોને વિશ્વના પ્રવર્તમાન પ્રવાહોને સુસંગત અને વધુ સજ્જ બનાવવા આ કોન્ફરન્સ સક્ષમ પ્લેટફોર્મ બની રહેશે તથા આ કોન્ફરન્સ ઉન્નત ભારતના નિર્માણમાં ઉદ્દીપક બનશે એવી આશા છે.