Site icon Revoi.in

સમગ્ર દુનિયામાં 100 અબજ ડોલરના રમકડા બજારમાં ભારતનો હિસ્સો માત્ર 1.5 ટકા

Social Share

દિલ્હીઃ દુનિયાભરમાં રમકડાનું બજાર આશરે 100 અબજ ડોલરનું છે અને આ બજારમાં ભારતનો હિસ્સો ફક્ત 1.5 ટકા છે. ભારત એના લગભગ 80 ટકા રમકડાની આયાત કરે છે. એટલે કે દર વર્ષે કરોડો રૂપિયાનું ધન દેશની બહાર જાય છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવાની જરૂર છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ટોયકેથોન-2021ના સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ પિયૂષ ગોયલ અને સંજય ધોત્રે ઉપસ્થિત રહ્યાં હતાં. બાળકોના પ્રથમ મિત્ર તરીકે રમકડાનું મહત્વ વ્યક્ત કરવા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમકડાંઓ અને રમતના આર્થિક પાસાં પર પણ ભાર મૂક્યો હતો, જેને તેમણે ‘ટોયકોનોમી’ નામ આપ્યું હતું.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, છેલ્લાં 5થી 6 વર્ષ દરમિયાન દેશની યુવા પેઢી હેકેથોન્સના મંચ પર દેશના ચાવીરૂપ પડકારોથી પરિચિત થઈ છે. હેકેથોન્સના આયોજન પાછળનો ઉદ્દેશ દેશની યુવાશક્તિને એકમંચ પર સંગઠિત કરવાનો અને તેમને તેમની પ્રતિભાઓને વ્યક્ત કરવા એક માધ્યમ પ્રદાન કરવાનો છે. આ ક્ષેત્ર સમાજના જરૂરિયાતમંદ વર્ગોની પ્રગતિ અને વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે. રમકડાં ઉદ્યોગ એક આગવો નાના પાયાનો ઉદ્યોગ છે. તેમાં ગ્રામીણ વિસ્તારો, દલિતો, ગરીબો અને આદિવાસી સમુદાયોના કલાકારો કામ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય રમકડાઓને સ્પર્ધાત્મક બનાવવા નવીનતા અને ધિરાણના નવા મોડલ માટેની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, નવા વિચારોને પોષણ આપવાની, નવા સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવાની, નવી ટેકનોલોજીઓને પરંપરાગત રમકડાં ઉત્પાદકો સુધી પહોંચાડવાની અને નવા બજારમાં માગ પેદા કરવાની જરૂર છે. ટોયકેથોન જેવી ઇવેન્ટ પાછળ આ પ્રેરણા કે પરિબળો કામ કરે છે.

ભારતમાં વર્ચ્યુઅલ, ડિજિટલ અને ઓનલાઇન ગેમિંગમાં સંભવિતતાઓ ચકાસવાની અપીલ કરી હતી. તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો કે, બજારમાં ઉપલબ્ધ મોટા ભાગની ઓનલાઇન અને ડિજિટલ ગેમ્સ ભારતીય વિભાવના પર આધારિત નથી અને આ પ્રકારની ઘણી ગેમ્સ હિંસાને પ્રોત્સાહન આપે છે તથા માનસિક તણાવનું કારણ છે. દુનિયા ભારતની ક્ષમતા, કળા અને સંસ્કૃતિ તથા સમાજ વિશે જાણવા આતુર છે. રમકડાં એમાં મોટી ભૂમિકા ભજવી શકે. ભારત ડિજિટલ ગેમિંગ માટે પુષ્કળ સામગ્રી અને સક્ષમતા ધરાવે છે.