Site icon Revoi.in

રાજસ્થાનમાં કોરોનાની ત્રીજી લહેરનો સંકેત, 341 બાળકો પોઝિટિવ

Social Share

જયપુર: કોરોનાવાયરસના કેસ ભલે દેશના તમામ રાજ્યોમાં ઘટી રહ્યા હોય, દેશમાં ભલે સ્વસ્થ થનારા વ્યક્તિની સંખ્યા નવા કેસની સરખામણીમાં ડબલ હોય, પણ હજુ પણ કોરોનાવાયરસનું સંક્રમણ શાંત પડ્યુ નથી.

કારણ એ છે કે જાણકારો દ્વારા કોરોનાવાયરસની ત્રીજી લહેર વિશે અગાઉથી જાણ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થઈ શકે છે. રાજસ્થાનના દૌસામાં 341 બાળકો પોઝિટિવ થયા છે જે કોરોનાવાયરસની ત્રીજી લહેરના સંકેત તરીકે જોઈ શકાય તેમ છે. કોરોનાની બીજી લહેર હજુ શમી નથી ત્યાં ત્રીજી લહેરના આગમનથી સ્થિતિ વધુ ભયજનક બની છે. કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને દૌસા જિલ્લા પ્રશાસન એલર્ટ થઈ ગયું છે.

દૌસા ખાતે જે 341 બાળકોને કોરોના થયો છે અને તે તમામની ઉંમર 0થી 18 વર્ષ સુધીની છે. આ તમામ કેસ 1 મે થી 21 મે દરમિયાન નોંધાયા છે. જિલ્લાના ડીએમના કહેવા પ્રમાણે 341 બાળકો કોરોના સંક્રમિત આવ્યા છે પરંતુ તે પૈકીના કોઈની સ્થિતિ સીરિયસ નથી. હાલ કોવિડની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને દૌસા જિલ્લા હોસ્પિટલને એલર્ટ કરી દેવામાં આવી છે.

તે અંતર્ગત સ્વાસ્થ્ય વિભાગની ટીમ ગામે-ગામ અને ડોર-ટુ-ડોર ફરીને લોકોનો કોવિડ ટેસ્ટ કરશે. ગામોમાં જ કોવિડ સેન્ટર બનાવાશે અને પોઝિટિવ નોંધાય તે દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવશે. આ માટે ઘરે-ઘરે સર્વે અભિયાનની શરૂઆત પણ કરી દેવાઈ છે.

નોંધનીય છે કે કર્ણાટકમાં પણ 40000થી વધારે બાળકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે અને તે તમામની ઉંમર 0થી 9 વર્ષની છે. મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોમાં બાળકોમાં ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે કોરોના પોઝિટિવ આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

નિષ્ણાતોના મતે મોટાભાગના બાળકો જે કોવિડથી પ્રભાવિત છે તેમનામાં સામાન્યરૂપે હળવો તાવ, ખાંસી, શરદી, શ્વાસ લેવામાં મુશ્કેલી, કબજિયાત, થાક, સૂંઘવા-સ્વાદની ક્ષમતા ઘટવી, ગળામાં ખારાશ, માંસપેશીઓમાં દુખાવો તથા નાક વહેવા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે.