Site icon Revoi.in

મોંઘવારીનો મારઃ કરિયાણાના ભાવમાં એક વર્ષમાં 40 ટકાનો વધારો

Social Share

અમદાવાદઃ ભારત છેલ્લા એક વર્ષથી કોરોનાની સામે લડાઈ લડી રહ્યું છે. આ દરમિયાન વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. બીજી તરફ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. બીજી તરફ મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ તોતીંગ વધારો થયો છે. ભારતમાં એક વર્ષના સમયગાળામાં કરિયાણાના ભાવમાં લગભગ 40 ટકા જેટલો વધારો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે જારી કરવામાં આવે છે, છેલ્લા મહિનામાં, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં લગભગ 16 ગણો વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાની અસર અન્ય વસ્તુઓ પર પડી છે. જેથી મોંઘવારીનો માર ઝીલતી પ્રજા ઉપર વધારે આર્થિક બોજ વધ્યો છે. કોરોનાને કારણે એક બાજુ આવક સતત ઘટી રહી છે. બીજી તરફ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થઈ રહેલા વધારાને પગલે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયાં છે.

દૂધ અને તેલ સિવાય, એક વર્ષમાં કરિયાણાની કિંમતમાં પણ 40 ટકાનો વધારો થયો છે. આવી જ રીતે ખાદ્યતેલોના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. તમામ ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝ (એફએમસીજી) વિશે વાત કરીએ તો, છેલ્લા એક વર્ષમાં તેમની કિંમતોમાં આશરે 20 ટકાનો વધારો થયો છે.