નવી દિલ્હી, 1 એપ્રિલ 2026: દેશભરમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે. પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા બાદ હવે તેલ કંપનીઓએ પ્રીમિયમ ડીઝલની કિંમતોમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે. મધ્યરાત્રિથી અમલી બનેલા આ નિર્ણય મુજબ, પ્રીમિયમ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર અંદાજે રૂ. 1.50નો વધારો કરવામાં આવ્યો છે.
તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં અસ્થિરતા અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં થઈ રહેલા ફેરફારને કારણે ઇંધણના ભાવમાં વધારો કરવો અનિવાર્ય બન્યો છે. સતત બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓની સીધી અસર હવે સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે.
પ્રીમિયમ ડીઝલ મોંઘું થતા ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પર આર્થિક ભાર વધશે. દિલ્હીમાં હવે પ્રીમિયમ ડીઝલની કિંમત રૂ. 95થી રૂ. 96 પ્રતિ લીટરની આસપાસ પહોંચી ગઈ છે. પ્રીમિયમ ડીઝલ સામાન્ય રીતે સારી માઈલેજ અને એન્જિનની ઉત્તમ ક્ષમતા માટે જાણીતું છે, પરંતુ વધતી કિંમતોને કારણે તેનો વપરાશ મર્યાદિત થવાની ભીતિ છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરાયેલા નવા દરો મુજબ એક્સપી૧૦૦ (XP100) પેટ્રોલ રૂ. 149 પ્રતિ લીટરથી વધીને હવે હવે રૂ. 160 થયું છે આમ રૂ. 11નો વધારો થયો છે. આવી જ રીતે એક્સ્ટ્રા ગ્રીન પ્રીમિયમ ડીઝલ રૂ. 91.49 પ્રતિ લીટરથી વધીને હવે રૂ. 92.99 થયું છે.
નોંધનીય છે કે, આ અગાઉ 20 માર્ચના રોજ પણ પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં રૂ. 2થી રૂ. 2.35નો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે હાલમાં સામાન્ય પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ પ્રીમિયમ ઇંધણના ભાવવધારાથી વાહનચાલકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.
(Photo-File)
આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ મુર્મૂએ ટ્રાન્સજેન્ડર સંશોધન બિલ-2026ને આપી મંજૂરી: શારીરિક નુકસાન પહોંચાડનારને થશે કડક સજા

