Site icon Revoi.in

સચિવાલયના વિભાગોમાં RTI અન્વયે આવતી અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતાં નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું. આ પોર્ટલ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના જી.આઇ.એલ ના પરામર્શ-સહયોગથી કાર્યરત કરાયુ છે. તદ્દઅનુસાર, સચિવાલયના તમામ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ અને અપિલ અધિકારીઓને યુઝર આઇ.ડી તથા પાસવર્ડ તૈયાર કરી આ સોફટવેરના ઉપયોગની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી છે.

પ્રારંભિક તબક્કે રાજ્ય સરકારના વિભાગોમાં એટલે કે સચિવાલયમાં વિભાગીય સ્તરે કાર્યરત કરવામાં આવેલા આ ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલથી હવે મોટાભાગની માહિતી ઓનલાઇન મેળવી શકાશે. એટલું જ નહિ, માહિતી મેળવવાના અધિકારનું સુદ્રઢીકરણ પણ થશે. રાજ્ય સરકારના વહીવટમાં ટ્રાન્સપરન્સી લાવી નાગરિકોને માહિતી અધિકાર-રાઇટ ટુ ઇન્ફરમેશન અન્વયે વધુ સક્ષમ બનાવવા આ ઓનલાઇન સેવાઓ ઉપયુકત બનશે.  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કાર્યરત કરાવેલી આ ઓનલાઇન આર.ટી.આઇ ની વ્યવસ્થા અત્યારે માત્ર સચિવાલયના વિભાગો માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ સેવાઓ આવનારા સમયમાં તબક્કાવાર ખાતાના વડાની કચેરીઓ અને જિલ્લા કચેરીઓમાં પણ ઉપલબ્ધ બનાવવામાં આવશે.