Site icon Revoi.in

ભારતીય સેનાના તોપખાનામાં સ્વદેશી શક્તિનો સંચાર: 155mm ગનથી સરહદો થશે મજબુત

Social Share

નવી દિલ્હી, 6 મે 2026: ભારતીય સેના પોતાની તોપખાના (આર્ટિલરી) શક્તિને અત્યાધુનિક બનાવવા માટે મોટા પાયે અભિયાન ચલાવી રહી છે. ‘ફીલ્ડ આર્ટિલરી રેશનલાઈઝેશન પ્લાન’ હેઠળ જૂની તોપોને હટાવીને નવી, લાંબી દૂરીની અને ઝડપી તૈનાતી ક્ષમતા ધરાવતી 155 મીમીની સ્વદેશી તોપો સામેલ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને પણ નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો છે. બોફોર્સ ડિઝાઇન પર આધારિત ભારતની પ્રથમ સ્વદેશી 155 મીમી તોપ ‘ધનુષ’ના 114 યુનિટ્સની સપ્લાય લગભગ પૂર્ણ થઈ ગઈ છે, જે 2026 સુધીમાં પૂર્ણ થશે. આ ઉપરાંત, સરકાર વધુ 300 તોપોનો ઓર્ડર આપવાની તૈયારીમાં છે, જેનાથી સેના પાસે કુલ 414 ધનુષ તોપોનો મજબૂત કાફલો હશે.

લાંબી દૂરી સુધી પ્રહાર કરવા માટે ‘એડવાન્સ્ડ ટાઉડ આર્ટિલરી ગન સિસ્ટમ’ પ્રોજેક્ટ હેઠળ 307 તોપોનો કોન્ટ્રાક્ટ વર્ષ 2025માં ફાઈનલ થયો છે. તેની ખાસિયત તેની 48 કિમીથી વધુની રેન્જ અને ઓલ-ઇલેક્ટ્રિક સિસ્ટમ છે. તેની પ્રથમ રેજિમેન્ટ 2027 સુધીમાં સેનામાં સામેલ થઈ જશે. શારંગ અપગ્રેડએ હળવી અને વધુ મોબાઈલ તોપ છે અને તેની 400ની મંજુરી છે જો કે, તેનો લક્ષ્યાંક 1200 જેટલો રાખવામાં આવ્યો છે. માઉન્ટેડ ગન સિસ્ટમએ ટ્રક ઉપર માઉન્ટ થયેલી ગમ છે. આ 814 જેટલી સિસ્ટમ લેવાની યોજના બનાવવામાં આવી છે. પહાડી વિસ્તાર માટે હળવી તોપોનું આયોજન કરવામાં આવ્યું છે. આવી 200 તોપોની મંજુરી મળી છે.

સેનાની સૌથી શક્તિશાળી સેલ્ફ-પ્રોપેલ્ડ ગન ‘કે 9 વજ્ર-ટી’ના 100 યુનિટ સામેલ થઈ ચૂક્યા છે અને વધુ 100નો ઓર્ડર અપાયો છે. ભવિષ્યમાં તેની સંખ્યા 400 સુધી પહોંચશે. બીજી તરફ, અમેરિકી ‘એમ777 અલ્ટ્રા-લાઈટ હોવિત્ઝર’ પહાડી વિસ્તારોમાં અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે, જેને હેલિકોપ્ટર દ્વારા પણ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. 145 જેટલી એમ777 તોપો હાલમાં ચીન અને પાકિસ્તાન સરહદે તૈનાત છે. આ આધુનિકીકરણ બાદ ભારતીય સેના દુનિયાના સૌથી શક્તિશાળી આર્ટિલરી ફોર્સમાં સ્થાન મેળવશે, જે રણથી લઈને હિમાલયના ઊંચા પહાડો સુધી દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા સક્ષમ હશે.

આ પણ વાંચોઃ ભાજપના આ મહિલા કાર્યકરે 28 વર્ષ પહેલા લીધું હતું ચંપલ નહીં પહેરવાનું પ્રણ, જુઓ Video

Exit mobile version