Site icon Revoi.in

અમેરિકાના આ નિર્ણયથી બિટકોઇનમાં કડાકો, કિંમત 50,000 ડોલર નીચે પહોંચી

Social Share

નવી દિલ્હી: બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં આવેલો તેજીનો ફૂગ્ગો ફૂટી ગયો છે. તેમાં મોટો કડાકો જોવા મળ્યો છે. અમેરિકામાં કેપિટલ ગેઇન્સ ટેક્સને વધારવાની રાષ્ટ્ર પ્રમુખ બાઇડનની યોજના છે અને તેને લઇને ચિંતા છે કે ડિજીટલ એસેટ્સમાં રોકાણમાં ઘટાડો થશે.

એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર બાઇડન વહિવટી તંત્ર યુએસ ટેક્સ કોડમાં કેટલાક પ્રસ્તાવિત ફેરફારો કરવાની તૈયારીમાં છે. આ ફેરફારોમાં 10 લાખ ડોલરથી વધારે કમાણી કરનારા લોકો માટે કેપિટલ ગેઇન્સ પર ટેક્સને લગભગ 2 ગણો કરીને 36.6 ટકા કરવાની યોજના સામેલ છે.

આ સંભવિત ફેરફારના સમાચાર સામે આવ્યા બાદ સૌથી લોકપ્રિય ક્રિપ્ટો કરન્સી બિટકોઈનની કિંમત ઘટીને 47,555 ડોલર પર આવી ગઈ હતી. બિટકોઈન માર્ચ બાદ પ્રથમ વખત 50,000 ડોલરથી નીચે આવ્યો છે. અગાઉ તે 4 ટકા તૂટીને 49,667 ડોલરના સ્તર સુધી ગયો હતો. સમગ્ર એક સપ્તાહ દરમિયાન બિટકોઈનની કિંમત 11.3 ટકા તૂટી છે. ફેબ્રુઆરીના અંત બાદ આ બિટકોઈન માટે સૌથી ખરાબ સપ્તાહ રહ્યું હતું. જોકે, કેટલાક ટ્રેડર્સ અને નિષ્ણાતોનું માનવું છે કે બિટકોઈનમાં થયેલો આ ઘટાડો અસ્થાઈ છે.

પ્રાઈસ તથા ડેટા ટ્રેકર કોઈનગીકોના જણાવ્યા પ્રમાણે બિટકોઈનની જેમ ઈથર અને એક્સઆરપી ક્રિપ્ટોકરન્સીમાં પણ અનુક્રમે 3.5 અને 6.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ડોજીકોઈન 20 ટકા તૂટીને 0.21 ડોલર થઈ ગયો હતો.

(સંકેત)