અમદાવાદઃ ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મંગળવારે મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે કરાશે. દરમિયાન નર્મદા અને દાહોદ જિલ્લાના 14 તાલુકાઓમાં ‘‘સેફ સ્પેશ અને એડોલેશન રિસોર્સ સેન્ટર’’નું ઇ- લોન્ચિંગ કરાશે
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફના સહયોગથી યોજાનારા આ રાજ્યકક્ષાના સમારોહમાં મંત્રી મનીષાબેન વકીલના વરદહસ્તે નર્મદા અને દાહોદ જિલ્લાના 14 તાલુકાઓ ખાતે ‘સેફ સ્પેસ એડોલેશન રીસોર્સ સેન્ટર’નું ઇ-લોન્ચિંગ કરાશે. આ કાર્યક્રમમાં રાજ્યના 22 જિલ્લાઓ ખાતે સખી મેળાઓનું ઈ-લોન્ચીંગ તથા જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ઠ કામગીરી કરેલ દિકરીઓ સાથે મંત્રી વર્ચ્યુઅલ પરિસંવાદ યોજશે જેમાં પંચાયતી રાજના સભ્યો, જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી થશે.
આ પ્રસંગે “કિશોરી કુશળ બનો” થીમ આધારિત મેળામાં કિશોરી કારકિર્દી માર્ગદર્શનની સાથે ટેકનીકલ તકો/કેરિયર કાઉન્સેલિંગ, કિશોરી પોષણ અને સ્વાસ્થ્ય વિષયક જાગૃતતા તથા આરોગ્ય તપાસ અને મેડીકલ એસોસિયેશનના પ્રતિનિધિ સાથે સંકલન કરી PC & PNDT એક્ટ તથા કિશોરી સ્વાસ્થ્ય સબંધિત જાણકારી ડોક્ટર્સ પેનલ દ્વારા અપાશે. કિશોરીઓને કાયદાકીય માર્ગદર્શન જેમકે DLSA, વિવધ માળખાઓ, હેલ્પલાઇન સંદર્ભે બાળક, કિશોરીઓ, મહિલાઓ માટેની રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવશે.
જાતિગત સંવેદનશીલતાને સ્પર્શતા મુદ્દાઓને અનુલક્ષીને ખેલો ઇન્ડિયા અંતર્ગત રમતો, ક્વીઝ, જીવન કૌશલ્ય, શોર્ટ ફિલ્મ, વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. ઉપરાંત જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરેલ પાંચ દિકરીઓનું જાહેર સન્માન કરવામાં આવશે. બેટી બચાવો બેટી પઢાવો થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. બિન પરંપરાગત કૌશલ્યવર્ધન આજીવિકાના વિકલ્પો અંગે કાર્યક્રમો યોજીને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ નવી શિક્ષણ નીતિ અંતર્ગત કિશોરી કૌશલ્યના કાર્યક્રમો તથા વંચિત પરિવારોની કિશોરીઓના કૌશલ્ય વિકાસ અને તકો અંગે ચર્ચા કરવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.
(Photo-File)