Site icon Revoi.in

યુક્રેન-રશિયા વચ્ચે તણાવ ચરમસીમાએ, યુક્રેનમાં રહેતાં ભારતીયોને કરાયા આ રીતે એલર્ટ

Social Share

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્વના ભણકારા વાગી રહ્યાં છે. બંને દેશો વચ્ચેનો તણાવ અત્યારે ચરમસીમાએ છે. આ વચ્ચે હવે નાટોએ મોટે પાયે હથિયારો યુક્રેન મોકલ્યા છે. યુક્રેન અને રશિયા વચ્ચે વધતા તણાવને કારણે ભારતીય દૂતાવાસે યુક્રેનમાં વસવાટ કરતા ભારતીયોને પોતાના નામ નોંધાવવા માટે સૂચના આપી છે. જેથી ઇમરજન્સીની સ્થિતિમાં તેઓને સરળતાપૂર્વક દેશમાંથી બહાર નીકાળી શકાય. દૂતાવાસ અનુસાર, તેઓ સતત સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે અને યુક્રેનમાં રહેતા ભારતીયોને દરેક અપડેટ માટે સતત વેબસાઇટ ચેક કરતા રહેવોનો અનુરોધ કર્યો છે.

ભારતીય દૂતાવાસે યુક્રેન-રશિયા વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને યુક્રેનમાં વસતા ભારતીય નાગરિકો સાથે સરળતાપૂર્વક સંપર્ક સાધી શકાય તેમજ સહેલાઇથી માહિતી પહોંચાડી શકાય તે માટે કિવના ભારતીય દૂતાવાસ તમામ ભારતીય નાગરિકો ઉપરાંત યુક્રેનમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની અપીલ કરી છે.

કિવના ભારતીય દૂતાવાસ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર છે તેમજ વધારે માહિતી અને અપડેટ માટે દૂતાવાસની વેબસાઇટ તેમજ ટ્વિટર અને ફેસબુક પેજ સતત ચેક કરતાં રહો.

રશિયા અને યુક્રેન વચ્ચેનું ઘર્ષણ સતત વધી રહ્યું છે. બંને દેશો વચ્ચે વાકયુદ્વ પણ થઇ રહ્યું છે. યુએસ પણ યુક્રેનને સમર્થન આપી રહ્યું છે અને રશિયા દ્વારા યુક્રેન પર હુમલાની સ્થિતિમાં યુએસ રશિયા વિરુદ્વ આકરા પગલાં લઇ શકે છે તેવી પણ ચેતવણી આપી છે. રશિયા અને નાટો દ્વારા મોટી સંખ્યામાં પોતપોતાની સેના યુક્રેનની સીમાઓ પર તૈનાત કરી દેવામાં આવી છે.