Site icon Revoi.in

ભારતે ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે થયેલી હિંસાની કરી નિંદા, બંને પક્ષોને ધીરજ રાખવા કરી અપીલ

Social Share

નવી દિલ્હી: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં આર યા પારની જંગ જોવા મળી રહી છે અને યુદ્વ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભારતે સમગ્ર મામલે હિંસાની નિંદા કરી છે.

ભારતે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્વ જેવી પરિસ્થિતિ અને હિંસક ગતિવિધિઓની નિંદા કરી છે અને હિંસા તાત્કાલિક ઓછી કરવા પર ભાર મૂક્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ TS તિરુમૂર્તિએ કહ્યું હતું કે, પૂર્વી યરૂશલેમમાં તણાવ મુદ્દે ભારત બધી જ પ્રકારની હિંસક ગતિવિધિ, ખાસ કરીને ગાઝાથી કરવામાં આવેલા રોકેટ હુમલાઓની નિંદા કરે છે.

ઇઝરાયલમાં થયેલા રોકેટ હુમલામાં થયેલા ભારતીય નાગરિકના મોત પર તિરુમૂર્તિએ શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, હિંસા તાત્કાલિક ધોરણે ઓછી કરવાની જરૂર છે અને બંને પક્ષોએ જમીન પર યથાસ્થિતિમાં બદલાવ કરવાથી દૂર રહેવું આવશ્યક છે.

આપને જણાવી દઇએ કે ઘણા લાંબા સમયથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે તંગદિલીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ગાઝા તરફથી હમાસ જેને ઇઝરાયલ આતંકી સંગઠન માટે છે તેના તરફથી ઇઝરાયલ પર હજારો રોકેટથી મારો કરવામાં આવ્યો હતો. આ પહેલા ઇઝરાયલે પણ ગાઝામાં એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, બંને પક્ષો તરફથી કરાયેલી હિંસક કાર્યવાહીમાં ગાઝામાં 65 જ્યારે ઇઝરાયલમાં 7 લોકોના મોત નિપજ્યા છે. સમગ્ર મામલે ભારતે બંને પક્ષોને ધીરજ રાખવા માટે અપીલ કરી છે.

(સંકેત)