Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયા: શાળાઓમાં ‘કિરપાણ’ પર પ્રતિબંધ, અકાલ તખ્તે નિર્ણય પાછો ખેંચવા કરી અપીલ

Social Share

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સની સરકારી શાળાઓમાં ‘કિરપાણ’ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય પર અકાલ તખ્તે નારાજગી વ્યક્ત કરીને ઓસ્ટ્રેલિયાની સરકારને આ નિર્ણય પાછો ખેંચવા કહ્યું છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ કિરપાણ પર પ્રતિબંધને લઇ વિદેશ મંત્રાલય તેમજ ઓસ્ટ્રેલિયામાં ઉપસ્થિત ભારત સરકારના ઉચ્ચાયુક્તને પત્ર લખ્યો છે.

આ શીખોની ધાર્મિક લાગણી સાથે જોડાયેલા મુદ્દો હોવાથી કિરપાણ પર પ્રતિબંધ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની પત્ર દ્વારા માંગ કરાઇ છે. શાળાઓમાં કિરપાણ નહીં પહેરવાનો નિયમ આજથી અમલી બની રહ્યો છે.

હકીકતમાં, એક 14 વર્ષીય શીખ વિદ્યાર્થીને શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ હેરાન કરી રહ્યા હતા અને તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા જેના જવાબમાં તે શીખ વિદ્યાર્થીએ બચાવમાં કિરપાણનો ઉપયોગ કરતા એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. આ કિસ્સા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

‘કિરપાણ’ પર પ્રતિબંધ એ અનાવશ્યક હોવાનું અકાલ તખ્તનો તર્ક છે. આ પ્રકારનો પ્રતિબંધ લાગુ કરતા પહેલા કોઇ સામુદાયિક મંત્રણા ના કરવાને લઇને ઓસ્ટ્રેલિયન સરકારની આકરી ટીકા પણ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રી સારા મિશેલનો નિર્ણય સંપૂર્ણપણે અપરિપક્વ હોવાનું અકાલ તખ્થના જથ્થેદાર હરપ્રીત સિંહે કહ્યું હતું. સાથે જ તેમણે શીખ પ્રતીકોની ઓળખ માટે લડવા શીખ સંગઠનોને એકજૂથ થવા માટે આહ્વાન પણ કર્યું હતું.

SGPCના અધ્યક્ષ બીબી જાગીર કૌરે જણાવ્યું કે, એક ઘટનાના આધાર પર સમુદાયની પવિત્રતાને દાવ પર ન મુકી શકાય. શીખ સમુદાય માટે કિરપાણ ખૂબ પવિત્ર છે. તેની તુલના કદી ચાકુ કે ખંજર સાથે ન થઈ શકે. તેમણે ઓસ્ટ્રેલિયન સરકારને શક્ય તેટલી ઝડપથી આ નિર્ણય પાછો ખેંચવા આગ્રહ કર્યો હતો.