Site icon Revoi.in

ક્વાડ પર ચીન કેમ છે લાલચોળ? ચીને આ કારણ આપ્યું

Social Share

નવી દિલ્હી: ક્વાડને લઇને ચીન રઘવાયું થયું છે. ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ક્વાડને કારણે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં વિવાદ વધી શકે છે. ગત શુક્રવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટમાં યોજાયેલી ક્વાડ સમિટને લઇને ચીન લાલચોળ થયું છે. આ સમિટમાં પ્રથમવાર પીએમ મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, જાપાની વડાપ્રધાન યોશિહીદે સુગા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ભાગ લીધો હતો.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કેટલાક દેશો પર ચીનથી કથિત રૂપથી ઉભા થયેલા ખતરાને વધારીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે, અમે ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા અને જાપાન વચ્ચે ક્વાડ પર ધ્યાન આકર્ષિત કર્યું છે. અમે આ અલગ-અલગ દેશોના ચીનની સાથેના સંબંધોમાં કલહ પેદા કરવાને લઇને આકરો વિરોધ પણ વ્યક્ત કર્યો છે.

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને કહ્યુ હતુ કે ચારેય દેશોના સમૂહે કોઈ ત્રીજા દેશ અને તેના હિતોને નિશાન ન બનાવવા જોઈએ. તેણે કહ્યુ કે, ચીન હંમેશા માને છે કે કોઈપણ ક્ષેત્રીય સહયોગ તંત્રને કોઈ ત્રીજા પક્ષને લક્ષિત ન કરવું જોઈએ કે તેના હિતોને નુકસાન ન પહોંચાડવું જોઈએ. કોઈ ત્રીજા દેશ વિરુદ્ધ ક્લોઝ્ડ ગ્રુપની રચના હાલના સમય અને પ્રાદેશિક દેશોની ઈચ્છાઓ વિરુદ્ધ છે. તેને કોઈ સમર્થન મળશે નહીં.

ક્વાડની બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું કે, આ સંગઠન ચાર લોકતાંત્રિક દેશોનું પ્રતિનિધત્વ કરે છે. ક્વાડના બધા દેશો ભાવિ માટે એકસમાન દૃષ્ટિ રાખે છે. પીએમ મોદીએ પણ ક્વાડ દેશો વચ્ચે સહયોગ વધારવા અને વેક્સિનને લઇને વ્યાપાર સુધી બધા ક્ષેત્રમાં સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.