Site icon Revoi.in

ભારત સાથેના 2016ના રફાલ સોદાની હવે ફ્રાંસમાં થશે તપાસ, જજની નિયુક્તિના આદેશ અપાયા

Social Share

નવી દિલ્હી: ફ્રાંસે મહત્વનો નિર્ણય લીધો છે. ફ્રાંસે ભારતની સાથે વર્ષ 2016માં થયેલી અરબો ડૉલરની વિવાદિત રફાલ ફાઇટર જેટ ડીલની તપાસના આદેશ આપ્યા છે. દેશની નેશનલ ફાઇનાન્સિયલ પ્રોસિક્યૂટર્સ ઓફિસે આ જાણકારી આપી હતી. આ માટે એક ન્યાયાધીશની નિયુક્તિ કરવાનો પણ આદેશ આપ્યો હતો. અંદાજે 9.3 અરબ ડૉલરની આ ડીલ હેઠળ ભારતને 36 રફાલ ફાઇટર જેટ મળવાના છે.

આ ડીલ ભારત સરકાર અને ફ્રાંસીસી વિમાન નિર્માતા કંપની ડસોલ્ટ વચ્ચે થઇ હતી અને આ ડીલને લઇને લાંબા સમયથી ભ્રષ્ટાચારનો આરોપ લાગતો આવ્યો છે. જો કે, ભારતની સુપ્રીમ કોર્ટને પોતાની તપાસમાં આ આરોપોમાં કોઇ તથ્યો જોવા મળ્યા ના હતા.

અગાઉ નેશનલ ફાઇનાન્સિયલ પ્રોસિક્યૂટર્સે રફાલ ડીલની તપાસ કરવાથી ઇનકાર કરી દીધો હતો. એ પછી ફ્રાસની તપાસ વેબસાઇટ મીડિયા પોર્ટે તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, ફ્રાંસની તપાસ એજન્સી રફાલે ડીલને લઇને સામે આવેલી શંકાઓને દબાવવા ઇચ્છે છે.

મીડિયાપાર્ટે કહ્યું કે, આ દલાલીમાંથી કેટલોક ભાગ લાંચ તરીકે ભારતીય અધિકારીઓને આપવામાં આવ્યો છે. ડસોલ્ટે આ આરોપોને નકાર્યા અને દવો કર્યો કે, રફાલ ડીલમં કોઈ પણ ગડબડ નથી થઈ. ભારતમાં પણ કેન્દ્રની મોદી સરકારે આ ડીલમાં કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચારનો સતત ઈનકાર કર્યો છે. આ સમાચાર બાદ ફ્રાંસની એન.જી.ઓ. શેરપાએ ભ્રષ્ટાચાર સંબંધિત એક કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

એ પછી ફ્રાંસના જજે હવે રફાલ ડીલની તપાસ માટે આદેશ આપ્યાં છે. આ સમગ્ર ડીલમાં અનિલ અંબાણીની નેતૃત્વવાળી કંપની રિલાયન્સ વિવાદોમાં ફસાઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ અનેક વાર રિલાયન્સની સાથે થયેલી આ ડીલને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યાં હતાં.