Site icon Revoi.in

કોરોનાથી ડરવું છે જરૂરી, વુહાનમાં કોરોનાથી સાજા થયેલા 90% દર્દીના ફેફસાં ખરાબ

Social Share

કોરોના સંક્રમણથી દર્દી સ્વસ્થ થાય તેના પછી પર તેના ફેંફસા પર કોરોના વાયરસની અસર જોવા મળે છે. એક સર્વે મુજબ કોરોના વાયરસનું ઉદ્દગમ સ્થાન ગણાતા વુહાનમાં જે દર્દીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તેમાંથી 90 ટકા લોકોના ફેફસાં ખરાબ થઇ ચૂક્યા છે અને સાજા થયેલા દર્દીઓમાંથી 5 ટકા દર્દીઓ ફરી સંક્રમિત થઇને હોસ્પિટલમાં દાખલ છે.

ઝોંગનાન હોસ્પિટલના આઇસીયુના ડાયરેક્ટર પેંગ ઝિયોંગના નેતૃત્વ હેઠળ વુહાન યુનિ.ની એક ટીમે એપ્રિલ સુધીમાં સાજા થયેલા 100 દર્દીઓ પર સર્વે હાથ ધર્યો હતો. આ સર્વે એક વર્ષ સુધી ચાલ્યું છે જેનો પ્રથમ તબક્કો જુલાઇમાં પૂરો થયો.

સર્વેમાં આવરી લેવાયેલા દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષ છે. સરવેના પ્રથમ તબક્કાનાં પરિણામો મુજબ સાજા થયેલા 90% દર્દીઓનાં ફેફ્સાં ખરાબ થઇ ચૂક્યાં છે. તેઓ હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી. ટીમે દર્દીઓ સાથે 6 મિનિટ સુધી ચાલીને તેમને તપાસ્યા. સાજા થયેલા દર્દી 6 મિનિટમાં 400 મીટર માંડ ચાલી શકે છે જ્યારે એક તંદુરસ્ત વ્યક્તિ 6 મિનિટમાં 500 મીટર સહેલાઇથી ચાલી શકે છે.

સર્વે અનુસાર કોરોનાથી સંપૂર્ણપણે સાજા થયેલા દર્દીઓમાંથી કેટલાકને 3 મહિના પછી પણ ઓક્સિજનની જરૂર પડી રહી છે. 100માંથી 10 દર્દીના શરીરમાં કોરોના સામે લડતા એન્ટિબૉડી પણ ખતમ થઇ ચૂક્યા છે. 5% દર્દી કોવિડ-19 ન્યૂક્લિક એસિડ ટેસ્ટમાં નેગેટિવ છે પણ ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ ટેસ્ટમાં પોઝિટિવ છે. એટલે કે તેમણે ફરી ક્વોરન્ટીન થવું પડશે.

જો કે અહીંયા આ દર્દીઓમાં ફરી જોવા મળતા લક્ષણો પરથી આ લોકો કોરોનાથી ફરી સંક્રમિત થયા છે કે અગાઉનું જ સંક્રમણ છે તે અંગે હાલના તબક્કામાં કઇ કહી શકાય તેમ નથી તેવું ઝોંગનાન હોસ્પિટલના ડાયરેકટર પેંગ ઝિયોંગે કહ્યું હતું. આ દર્દીઓના શરીરમાં વાઇરસ સામે લડતા બી સેલ્સમાં પણ ઘટાડો થયો છે.

નોંધનીય છે કે, ચીનના હુબેઇ પ્રાંતના વુહાનમાં અત્યાર સુધીમાં 68,138 લોકો કોરોના પોઝિટિવ મળી ચૂક્યા છે જ્યારે 4,512 દર્દીનાં મોત થઇ ચૂક્યાં છે. મંગળવારે અહીં નવા 27 કેસ નોંધાયા, જેમાંથી 22 શિનજિયાંગ પ્રાંતમાં નોંધાયા છે.

(સંકેત)

 

Exit mobile version