Site icon Revoi.in

મનુષ્યને મંગળ સુધી પહોંચાડવા પરમાણુ રોકેટ બનાવવાની તૈયારીમાં નાસા

Social Share

કેલિફોર્નિયા: વર્ષ 2035 સુધીમાં મનુષ્યને મંગળ પર પહોંચાડવા માટે નાસા પ્રતિબદ્વ છે. આ માટે નાસા હાલ તૈયારીમાં વ્યસ્ત છે. ધરતીથી લગભગ 23 કરોડ કિમી દૂર સ્થિત મંગળ સુધી મનુષ્યોને પહોંચાડવા નાસા માટે આજે પણ પડકારજનક મિશન છે. આ માટે નાસા હવે પરમાણુ શક્તિથી ચાલતા રોકેટ બનાવવાની યોજના પર કામ કરશે. આ રોકેટ મનુષ્યને 3 મહિનામાં મંગળ પર પહોંચાડશે. જો આવું રોકેટ બનશે તો ભવિષ્યના અંતરિક્ષ મિશનમાં NASAને મોટી સફળતા મળી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ જે રોકેટ છે તેને મંગળ સુધી પહોંચાડવામાં ઓછામાં ઓછા 7 મહિનાનો સમય લાગે છે. જો મનુષ્યને આટલા દૂર મોકલવામાં આવે તો મંગળ સુધી પહોંચતા ઓક્સિજનની અછત સર્જાઇ શકે છે. મંગળનું વાતાવરણ મનુષ્યને રહેવા માટે અનુકૂળ નથી કારણ કે ત્યાનું તાપમાન એન્ટાર્કટિકા કરતાં પણ ઠંડુ છે.

નાસાના સ્પેસ ટેક્નોલોજી મિશન ડાયરેક્ટ્રેટના ચીફ એન્જિનિયર જેફ શેહીએ કહ્યું કે, હાલ સંચાલિત મોટા ભાગના રોકેટમાં કેમિકલ એન્જિન લાગેલા છે. જે તમને મંગળ ગ્રહ સુધી લઇ જઇ શકે છે પણ આ લાંબી યાત્રા ધરતીથી ટેકઓફ થતા અને પરત ફરતા ઓછામાં ઓછો 3 વર્ષનો સમય લાગી શકે છે.

આપને જણાવી દઇએ કે સિએટલ સ્થિત કંપની અલ્ટ્રા સેફ ન્યૂક્લિયર ટેક્નોલોજીએ નાસાને પરમાણુ થર્મલ પ્રોપલ્શન એન્જિન બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ રોકેટ ધરતીથી મનુષ્યને મંગળ સુધી માત્ર 3 મહિનામાં પહોંચાડશે. પરમાણુ ઉર્જાથી ચાલતા રોકેટ સાંપ્રત સમયમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક એન્જિનની તુલનામાં વધુ શક્તિશાળી હશે.

(સંકેત)