Site icon Revoi.in

ન્યૂઝીલેન્ડ કોરોનાથી સંપૂર્ણપણે મુક્ત થયું, તમામ પ્રતિબંધો હટાવી દેવાયા, પીએમ ખુશીથી ઝુમી ઉઠ્યા

Social Share

વેલિંગ્ટન: એક તરફ જ્યારે વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે બીજી તરફ ન્યૂઝીલેન્ડ સંપૂર્ણપણે કોરોના મુક્ત થનારો પ્રથમ દેશ બન્યો છે. મોટા ભાગના દેશોમાં સતત વધતા કોરોના કેસ સામે ન્યૂઝીલેન્ડને સંપૂર્ણપણે કોરોના વાયરસથી મુક્ત દેશ તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે સૌ વેકસીન પર મીટ માંડીને બેઠા છે ત્યારે ન્યૂઝીલેન્ડને સાબિત કરી બતાવ્યું છે કે મહામારીને હરાવવા માટે કોઇ વેક્સીન કે વસ્તુ પર આધાર રાખવાની આવશ્યકતા નથી.

ન્યૂઝીલેન્ડ હવે કોરોના મુક્ત બન્યા બાદ હાલ અત્યારે કોઇ એક્ટિવ કેસ ના હોવાથી દેશમાં લાગેલા દરેક પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે.

નવા નિયમો અનુસાર હવે આ દેશમાં લોકોને ભેગા થવા પર કોઇ જ પ્રતિબંધ નથી અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની પણ કોઇ આવશ્યકતા નથી. જો કે અત્યારે દેશમાં વિદેશીઓ માટે પ્રતિબંધ યથાવત્ રહેશે. ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 2 સપ્તાહમાં કોરોના વાયરસનો એક પણ કેસ સામે આવ્યો નથી અને પીએમ જેસિંડાએ તેની જાહેરાત કરી છે.

દેશ કોરોનાથી મુક્ત બન્યા બાદ પીએમ જેસિંડાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે હવે દેશ સંપૂર્ણપણે કોરોના વાયરસથી મુક્ત થયો છે અને ત્યારબાદ તેઓ ખુશીથી ઝુમી ઉઠ્યા.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણે હવે એક સુરક્ષિત અને મજબૂત પરિસ્થિતિમાં છીએ, જો કે કોરોના વાયરસ પહેલાની પરિસ્થિતિમાં પહોંચવું સરળ નહીં રહે. હવે અમારું ધ્યાન સ્વાસ્થ્ય પ્રણાલીની જગ્યાએ દેશના આર્થિક વિકાસ પર હશે.

પીએમ જેસિંડાએ કહ્યું કે હજુ આપણું કામ સમાપ્ત થયું નથી પરંતુ તે વાતથી ઇનકાર ન કરી શકાય કે દેશ કોરોના વાયરસથી મુક્ત થયો તે એક શાનદાર ઉપલબ્ધિ છે. મહત્વનું છે કે ન્યૂઝીલેન્ડમાં 25મી માર્ચના રોજ લોકડાઉન કરવામાં આવ્યું હતું.

(સંકેત)