Site icon Revoi.in

રશિયા આ વર્ષના અંત સુધીમાં ભારતને ‘બ્રહ્માસ્ત્ર’ S-400 આપશે, ભારતીય સૈનિકોની તાલીમ શરૂ

Social Share

મોસ્કો: રશિયાએ એક મહત્વની જાહેરાત કરી છે. રશિયાએ જાહેરાત કરી છે કે તે વર્ષાન્ત સુધીમાં ભારતને S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સમયસર પહોંચાડશે. એસ-400 મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ બનાવનારી રશિયન કંપની રોસોબરોન એક્સપોર્ટે જણાવ્યું હતું કે ભારત સાથેનો કરાર યોગ્ય સમયમાં પૂર્ણ થશે. અગાઉ રશિયાની સેનાના તકનિકી સહકાર મામલાના નિયામક વ્લાદિમીર દ્રોઝઝોવે ખુલાસો કર્યો હતો કે ભારતીય સેનાના નિષ્ણાતોએ આ બ્રહ્માસ્ત્ર ચલાવવા માટે તાલીમ શરૂ કરી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ સિસ્ટમ આ વર્ષના અંત સુધીમાં ભારતને અપાશે તેવું દ્રોઝઝોવે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતીય નિષ્ણાતો રશિયા પહોંચી ગયા છે અને તેમણે એસ-400 ચલાવવાની તાલીમ શરૂ કરી દીધી છે. ભારતે 2015માં રશિયા સાથે એસ-400 ખરીદવાની તૈયારી દર્શાવી હતી અને ઑક્ટોબર 2018માં રશિયન રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ ડીલથી US નાખુશ, લગાવી શકે ભારત પર પ્રતિબંધ

જણાવી દઈએ કે રશિયાને પોતાનો દુશ્મન નંબર વન ગણાવનારા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન એસ -400 ડીલ પર ભારતને મોટો ઝટકો આપી શકે છે. રશિયા પાસેથી અત્યાધુનિક એસ -400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના નિર્ણય પર ભારત દ્રઢ છે, પરંતુ યુએસ આ સોદાનો સખત વિરોધ કરી રહ્યું છે. એટલું જ નહીં, હવે એવો ભય પણ છે કે બાઇડન તુર્કીની જેમ ભારત પર પણ કડક પ્રતિબંધ લગાવી શકે. એસ -400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હવે મોદી સરકાર અને બાઇડન પ્રશાસન વચ્ચેની મિત્રતામાં મોટો ‘કાંટો’ બની ગયો છે.

નોંધનીય છે કે ભારત રશિયા પાસેથી 5.4 અબજ ડોલરમાં એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લઇ રહ્યું છે. એટલું જ નહીં, ભારત રશિયાના શસ્ત્રોનો મોટો ગ્રાહક છે. ભારતે અમેરિકાની ઓફર નકારીને રશિયન સિસ્ટમ પર દાવ લગાડ્યો છે. ચીન અને પાકિસ્તાન તરફથી મળતી ધમકીને ધ્યાનમાં રાખીને ભારતે તેની સુરક્ષા આવશ્યકતાઓ પૂરી કરવા માટે આ સમજૂતી પર મહોર મારી છે.

(સંકેત)