Site icon Revoi.in

કોરોના ઇફેક્ટ: બ્રિટનના અર્થંતત્રમાં 300 વર્ષનો સૌથી મોટો ઘટાડો

Social Share

લંડન: વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થામાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું અને તેમાંથી બ્રિટન પણ બાકાત નથી. વર્ષ 2020માં બ્રિટનના અર્થતંત્રને જાણે ગ્રહણ લાગ્યું હોય તેવા હાલ થયા હતા. વર્ષ 2020માં બ્રિટનના અર્થતંત્રમાં છેલ્લા 300 વર્ષનો સૌથી મોટો ઘટાડો થયો છે. કોરોના મહામારીને કારણે દુકાનો, રેસ્ટોરન્ટ બંધ રહેતા ટુરિઝમ ઉદ્યોગ અને મેન્યુફેક્ચરિંગ સેકટરને મોટો ફટકો પડતા અર્થતંત્રમાં ઘટાડો નોંધાયો હતો. વર્ષ 2020માં બ્રિટનના અર્થતંત્રમાં 9.9 ટકાનો ઘટાડો થયો છે. જે વર્ષ 2009ની નાણાકીય કટોકટીમાં થયેલા ઘટાડા કરતાં પણ બમણો છે.

આપને જણાવી દઇએ કે વર્ષ 1709 બાદનો આ સૌથી મોટો ઘટાડો છે. કોરોનાને નિયંત્રણમાં લેવા માટે બ્રિટન સરકારે મૂકેલા અનેક પ્રતિબંધોના પરિણામ સ્વરૂપ અર્થતંત્રને મોટા પાયે ફટકો પડ્યો છે. ડિસેમ્બરના મધ્યથી બ્રિટનમાં ત્રીજું લોકડાઉન અમલમાં છે. જેના કારણે શાળાઓ, રેસ્ટોરન્ટ અને આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો બંધ છે. હાલમાં નોર્ધન આયરલેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં પણ કોરોનાને પગલે કડક પ્રતિબંધો અમલમાં છે.

આજે જારી થયેલા આંકડાના સંદર્ભમાં બ્રિટનના નાણા પ્રધાન રિશી સુનકે જણાવ્યું હતું કે આજના આંકડા એ દર્શાવે છે કે મહામારીને કારણે અર્થતંત્રને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મહત્વનું છે કે ત્રણ માર્ચના રોજ હાઉસ ઓફ કોમેન્સમાં બજેટ રજૂ કરશે. તે વખતે અર્થતંત્ર વેગવંતુ બને તેમજ નોકરીઓ જળવાઇ રહે તેને લઇને નાણા પ્રધાન કંઇક જાહેરાતો કરે તેવી સંભાવના છે.

(સંકેત)