Site icon Revoi.in

વિશ્વભરમાં ભારતમાં બનેલ રસીને ઉપયોગમાં લેવા WHOએ આપી મંજૂરી

Social Share

લંડન: ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોરોના રસી કોવિશિલ્ડનો ઉપયોગ હવે વિશ્વભરમાં કરવામાં આવશે. WHOના પ્રમુખે જાહેર કરેલા એક નિવેદન અનુસાર ઓક્સફર્ડ તેમજ એસ્ટ્રાજેનેકાની વેક્સિનને ઉપયોગ માટે મંજૂરી અપાઇ છે. જેથી વિશ્વભરમાં ઝડપી વેક્સિનેશન હાથ ધરી શકાય. આમાં સીરમ સંસ્થાની વેક્સિન તેમજ દક્ષિણ કોરિયાની એસ્ટ્રાજેનેકા-એસકેબાયોની રસી સામેલ છે.

આ સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ડૉ. ટેડ્રોસ અધનોમ ધ્રેબેસિસે કહ્યું હતું કે કોરોના રસીના ઉત્પાદનમાં ગતિ આવશ્યક છે. રસીને મંજૂરી આપ્યાના એક દિવસ અગાઉ યુ.એન.ની આરોગ્ય એજન્સીની એક પેનલે રસી વિશે વચગાળાની ભલામણ કરી હતી. જેમાં કહ્યું હતું કે તમામ પુખ્ત વયના લોકોને રસીના બે ડોઝ 8-12 સપ્તાહના ગાળામાં આપી દેવા જોઇએ.

ગત વર્ષે WHOએ કટોકટીના ઉપયોગ માટે ફાઇઝરની કોરોના રસીને મંજૂરી આપી હતી. ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની રસી ફાઇઝર કરતાં ઘણી સસ્તી છે. WHOએ તેના નિવેદનમાં કહ્યું હતું કે કે ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની બંને રસીઓની મંજૂરી આપ્યા બાદ વિશ્વના ઘણા દેશોમાં કોવેક્સ પ્રોગ્રામ હેઠળ રસીકરણને ઝડપી કરવામાં આવશે.

(સંકેત)