Site icon Revoi.in

અમેરિકામાં ઓમિક્રોનનો વધતો કહેર, બાઇડને લોકોને બૂસ્ટર ડોઝ લેવા કરી અપીલ

Social Share

નવી દિલ્હી: અમેરિકામાં પણ ઓમિક્રોનના પગપેસારા બાદ નવી લહેરની દહેશત વચ્ચે રાષ્ટ્રપતિ જો બાઇડને જે લોકોએ વેક્સિન નથી લીધી તે લોકોને વેક્સિન લઇ લેવા માટે અપીલ કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, વેક્સિન લેવી એ દેશ પ્રત્યેની તેમની ફરજ છે. બૂસ્ટર ડોઝની પણ તેઓએ વકીલાત કરી હતી અને કહ્યું કે, બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિએન્ટ સામે મજબૂત રક્ષણ પૂરું પાડે છે. મને મારો બૂસ્ટર ડોઝ મળ્યો છે અને દરેકને જે લાભ લેવા લાયક છે તેને પણ પ્રોત્સાહિત કરવા અનિવાર્ય છે.

એક વીડિયો મારફતે રાષ્ટ્રપતિ બાઇડને ઓમિક્રોન વેરિએન્ટ સામે વેક્સિનની અનિવાર્યતા પર ભાર મૂકતા કહ્યું હતું કે, ઓમિક્રોન વેરિએન્ટ સામે બૂસ્ટર ડોઝ અસરકારક છે. મેં તેને લગાવી લીધો હતો અને બીજા જ દિવસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ કહ્યું કે તેમનો બૂસ્ટર ડોઝ મળ્યો છે. ટ્રમ્પ અને હું બંને સંમત છીએ કે તે કેટલીક બાબતોમાંથી કદાચ એક છે. જે લોકો બૂસ્ટર ડોઝ મેળવે છે તે અત્યંત સલામત છે. તમે પણ તેમની સાથે જોડાઓ અને અમારી સાથે પણ જોડાઓ. અમેરિકામાં ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે રાષ્ટ્રપતિએ લોકોને વેક્સિન લેવા અપીલ કરી છે.

ન્યૂયોર્કના એક અધિકારી અનુસાર શુક્રવારે 21,027 નવા કોવિડના કેસ સામે આવ્યા છે. આ સંખ્યા મહામારીની શરૂઆતથી સૌથી વધુ છે. તે સમયે ટેસ્ટની સંખ્યા એટલી ન હતી જેટલી હવે છે. છેલ્લા કેટલાક સપ્તાહથી કેસની સંખ્યાનો વ્યાપ વધ્યો છે.

નોંધનીય છે કે,ઓમિક્રોન વેરિએન્ટ અત્યારે દેશના અન્ય ભાગો કરતા ન્યૂયોર્કમાં લોકોને વધુ સંક્રમિત કરી રહ્યું છે. WHOએ પણ ઓમિક્રોનને કારણે અનેક દેશોને સતર્ક અને એલર્ટ રહેવાની ચેતવણી આપી છે.

Exit mobile version