Site icon Revoi.in

રશિયા-યુક્રેન હવે યુદ્વની કગાર પર, બંને સેનાઓ સરહદ પર આવી આમને-સામને

Social Share

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલીની સ્થિતિ હવે વધુને વધુ વરવું સ્વરૂપ ધારણ કરી રહી છે. બંને દેશો વચ્ચે યુદ્વના ભણકારા વાગી રહ્યા છે. બંને દેશોના લાખો સૈનિકો સરહદ પર આમને-સામને આવી ચૂક્યા છે. એવામાં બંને દેશો વચ્ચે વાકયુદ્વ પણ એની ચરમસીમાએ પહોંચી ગયું છે.

બીજી તરફ યુક્રેને પણ રશિયાને જડબાતોડ જવાબ આપવા અને તેના સૈનિકો રશિયાના સૈનિકોનો ખાત્મો કરી દેશે તેવી ચેતવણી આપી છે. યુક્રેન સેનાના એક લેફ્ટિનન્ટ જનરલે દાવો કર્યો છે કે, યુક્રેનમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમના પરિવારજનોને રશિયાએ મોતને ઘાટ ઉતાર્યા છે. તેઓ આ વખતે યુદ્વમાં રશિયાના સૈનિકોને છોડશે નહીં. બીજી તરફ રશિયાના વલણને જોતાં અમેરિકા સહિતના પશ્વિમ દેશોએ યુક્રેનની મદદ માટે મોટા પાયે યુદ્વના સાધનો સપ્લાય કરવાનું શરૂ કર્યું છે.

યુક્રેનની સેનાના લેફ્ટિનેન્ટ જનરલ ઓલેક્ઝેન્ડર પાવલિયુકનું કેહવુ છે કે, અમારા દેશની ઇન્ટેલિજેન્સે રશિયાના હુમલાની દિશા અને સ્થળ વિશે પહેલાં જ જાણકારી મેળવી લીધી તો અમે રશિયાને મોટુ નુકસાન પહોંચાડવામાં સક્ષમ છીએ. તેમનું કહેવુ છે કે રશિયાના પ્રેસિડન્ટ પુતિન પણ જાણે છે કે મોટુ નુકસાન જોઇને એમની સેના પીછેહટ કરી લેશે.

એક એવી સંભાવના છે કે, 20 ફેબ્રુઆરીથી રશિયા, યુક્રેન પર હુમલો કરવાનુ શરૂ કરી શકે છે. તેમનુ કહેવુ છે કે રશિયાની યુદ્ધનીતિ મુજબ એના સૈનિકો યુક્રેનની રાજધાનીની બહુ નજીક આવી પહોંચ્યા છે. યુક્રેન મુજબ રશિયાએ યુક્રેન બોર્ડરથી 20 માઇલ દૂર બેલારુસમાં સેના અને યુદ્ધ સામગ્રી ખડકી દીધી છે.

નોંધનીય છે કે, NATO સભ્ય દેશોએ રશિયા વિરુદ્ધ યુક્રેનને મોટા પ્રમાણમાં યુદ્ધ સામગ્રી સપ્લાય કરી રહ્યા છે. યુક્રેનને હથિયાર મોકલાનામાં અમેરિકા, બ્રિટન, પોલેન્ડ, તુર્કી, લિથુઆનિયા, લાતવિયા અને એસ્ટોનિયા સહિત ઘણા પશ્ચિમ દેશો સામેલ છે.