Site icon Revoi.in

WHOના મુખ્ય વૈજ્ઞાનિકની ચેતવણી: લૉકડાઉનના પરિણામો ભયાનક આવશે

Social Share

નવી દિલ્હી: ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે જેના પગલે અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન કે પછી નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આ તમામની વચ્ચે વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને લોકડાઉન અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકડાઉનના પરિણામો ખૂબ ભયંકર આવશે. સાથે જ તેમણે કોરોનાની બીજી લહેરને કાબૂમાં લેવા માટે લોકોની ભૂમિકા અગત્યની હોવાની વાત પર ભાર મૂક્યો હતો.

ડૉ. સ્વામીનાથને કહ્યું કે, ત્રીજી લહેર વિશે વિચારવા અને અમુક સંખ્યામાં લોકોને રસી આપવામાં આવ્યા સુધી આપણે બીજી લહેરનો સામનો કરવો જ પડશે. આ મહામારીની ચોક્કસથી કોઇ અન્ય લહેરો પણ હોઇ શકે છે. WHO તરફથી કોવીશિલ્ડના બે ડોઝ વચ્ચે 8 થી 12 સપ્તાહનો સમયગાળો રાખવાની સલાહ આપવામાં આવી છે.

WHOના ક્ષેત્રિય ડિરેક્ટર ડૉક્ટર પૂનમ ખેત્રીપાલે પણ વેક્સીનની વાત પર ભાર મૂક્યો હતો. સાતમી એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસના પ્રંસગે તેમણે કહ્યું કે, સંક્રમણની નવી લહેર આખા ક્ષેત્રમાં ફેલાઈ રહી છે. વેક્સીન આપવાની ઝડપ વધારવા અંગે પ્રયાસ કરવા પડશે. ખાસ વાત એ છે કે ભારતમાં દરરોજ વેક્સીનના સરેરાશ 26 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ કેસમાં ભારતની આગળ ફક્ત અમેરિકા છે. અમેરિકામાં સરેરાશ 30 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે.

(સંકેત)