Site icon Revoi.in

સરકારી શાળાઓના બિલ્ડીંગોમાં ચાલતા ટ્યુશન ક્લાસિસને બંધ કરાવવા કોચિંગ એસો.ની માગ

Social Share

રાજકોટઃ રાજ્યમાં સરકારી શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન કરી શકે નહીં. છતાં અમદાવાદ,સુરત, અને રાજકોટ સહિત શહેરોમાં સરકારી શાળાઓના શિક્ષકો ખાનગી ટ્યુશન કરીને ધીકતી કમાણી કરી રહ્યા છે. ત્યારે  ખાનગી કોચિંગ એસોસિએશને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, સરકારી સ્કૂલના શિક્ષકોની કોચિંગ પ્રવૃત્તિ અટકાવો. સરકારી ઇમારતોમાં કોચિંગ પ્રવૃત્તિ પ્રતિબંધિત હોવા છતાં ક્યાં કારણોસર કોચિંગ ક્લાસિસ ચાલે છે? સરકારી સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ પાસેથી ફી લઈને કોચિંગ ક્લાસિસ ચલાવી રહ્યા છે.

રાજકોટના ડીઈઓને આવેદનપત્ર આપ્યા બાદ ખાનગી કોચિંગ ક્લાસ એસો.ના અગ્રણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના નેજા હેઠળ તથા શિક્ષણ વિભાગના સતત પ્રવૃત્તિશીલ વિદ્યાર્થીલક્ષી પ્રયાસો થકી ગુજરાતનું શિક્ષણ રાષ્ટ્રીય સ્તર પર એક આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે. ત્યારે સરકાર તથા શિક્ષણ વિભાગના તમામ નિયમોનો ઉલાળિયો કરીને સરકાર સંચાલિત તથા અનુદાનિત મોટાભાગની સ્કૂલોમાં, સ્કૂલ સિવાયના સમય દરમિયાન માત્ર અને માત્ર વાલીઓને લૂંટવાની માનસિકતાથી ચાલી રહેલા ગોરખધંધા એટલે કે ગરકાયદે ચાલતા કોચિંગ ક્લાસ બંધ કરાવવા અને એ બાબતે સરકારનું ધ્યાન દોરવું એ દેશના દરેક નાગરિકની નૈતિક ફરજ છે.

ખાનગી કોચિંગ ક્લાસ એસોએ ડીઈઓને એવી રજુઆત કરી છે કે, સરકારી સ્કૂલના બિલ્ડિંગનો ગેરકાયદેસર ઉપયોગ થતો અટકાવવો જોઇએ. સરકાર દ્વારા બાળકના શૈક્ષણિક વિકાસ માટે ફાળવેલી જગ્યા તથા બિલ્ડિંગનો ગેરકાયદેસર રીતે પૈસા રળવા માટે ખુલ્લેઆમ ઉપયોગ થઇ રહ્યો છે. જેમ કે, સ્કૂલના નિયત સમય બાદ સરકારી સ્કૂલની પ્રોપર્ટીમાં જે-તે મેનેજમેન્ટ દ્વારા બહારના શિક્ષકોને બોલાવીને, વાલીઓ પાસેથી એક્સ્ટ્રા ફી ઉઘરાવીને ટ્યુશન ચલાવવામાં આવી રહ્યાં છે. મોટાભાગે સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ પોતે જ આ બધી ગોઠવણ કરી આપે છે અને વિદ્યાર્થીઓને ઇન્ટરનલ માસ તથા અન્ય લાલચો આપી વધારાની ખોટી ફી ઉઘરાવવામાં આવી રહી છે. જો કોઈ વિદ્યાર્થી કે વાલી આ વાત સાથે સહમત ન થાય અથવા તો તેમાં ન જોડાય તો તેઓને માનસિક ત્રાસ આપવામાં આવે છે. આ માત્ર સરકારી પ્રોપર્ટીનો ગેરકાયદેસર ઉપયોગ કરવાની વાત નથી, અહીં ભારતના ભાવિ એવા આપણાં વિદ્યાથીઓના ભવિષ્ય સાથે ચેડાં થઇ રહ્યાં છે અને જેના પર તાત્કાલિક ધોરણે અંકુશ લાવવો અત્યંત જરૂરી છે.