Site icon Revoi.in

ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદના 5 મહિનાથી આતંકી નેટવર્ક સક્રિય હોવાનું તપાસમાં ખુલ્યું

Social Share

અમદાવાદ, 18 જુલાઈ 2026: દેશની આંતરિક સુરક્ષાને લઈને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડએ એક મોટા ઓપરેશનમાં બહુ મોટી સફળતા મેળવી છે. ATS ના એસ.પી. કે. સિદ્ધાર્થે એક વિશિષ્ટ વાતચીતમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઇશારે ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનાથી એક અત્યંત ખતરનાક આતંકી નેટવર્ક સક્રિય થઈ રહ્યું હતું. આ કાવતરાનો મુખ્ય સૂત્રધાર પાકિસ્તાનમાં બેઠેલો હેન્ડલર ‘અબ્દુલ્લા’ અને કાશ્મીરનો એક અજાણ્યો શખ્સ હોવાનું સામે આવ્યું છે, જેઓ ટેકનોલોજીના માધ્યમથી સ્થાનિક સ્લીપર સેલના સતત સંપર્કમાં રહીને તેમને દિશાનિર્દેશ આપી રહ્યા હતા.

ATS દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓ અહેમદ ગાજીવાલા અને ઇબ્રાહીમની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ બંને સ્થાનિક કાવતરાખોરો અગાઉ જમ્મુ-કાશ્મીર ગયા હતા, જ્યાં સંગઠન દ્વારા તેમને સેના સામે વપરાતા હથિયારો જેવા કે AK-47 અને ઓટોમેટિક પિસ્તોલ ચલાવવાની પ્રોફેશનલ કમાન્ડો ટ્રેનિંગ આપવામાં આવી હતી. આટલું જ નહીં, આતંકના આકાઓએ તેમને માત્ર પરંપરાગત બ્લાસ્ટ જ નહીં, પરંતુ ભીડભાડ વાળા વિસ્તારોમાં સામૂહિક જાનહાનિ ફેલાવવા માટે કાર્બન મોનોક્સાઇડ, મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા અતિ ઝેરી રાસાયણિક વાયુઓ ઘરેલુ સામગ્રીમાંથી કેવી રીતે તૈયાર કરવા તેની પણ તાલીમ ઓનલાઇન આપી હતી. આ ખતરનાક ગુનાહિત પ્લાનિંગના ભાગરૂપે આરોપીઓએ ગુજરાતના નિર્જન અને સુમસામ સ્થળો પર આઈઈડી (IED) અને ટાઈમ બોમ્બ એસેમ્બલ કરીને તેના નાના પાયે સિક્રેટ બ્લાસ્ટ ટેસ્ટ પણ કરી લીધા હતા.

પોલીસ દરોડા દરમિયાન મુખ્ય આરોપી અહેમદ ગાજીવાલાના ઘરેથી આતંકી સંગઠનના વડા મસૂદ અઝહર દ્વારા લિખિત ઉશ્કેરણીજનક જેહાદી પુસ્તકો, જૈશ-એ-મોહમ્મદ સંગઠનના સત્તાવાર ઝંડા, સાંકેતિક કોડ લેંગ્વેજમાં લખાયેલી ડાયરીઓ અને શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. આ સાથે જ બોમ્બના ટ્રિગર અને સર્કિટ માટે વપરાતા વાયરો, સેલ, કેમિકલ પાવડર અને સોડિયમ ફોસ્ફેટ ડીબેઝિક જેવા કેમિકલ્સ કબ્જે કરાયા છે. આ આખા નેટવર્કને ઓપરેટ કરવા માટે પાકિસ્તાનથી હવાલા રૂપે પ્રથમ તબક્કે 3 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. આ આતંકી ફંડિંગમાંથી આરોપીઓએ રેકી કરવા અને અવરજવર માટે એક સેકન્ડ હેન્ડ કાર અને બાઇક ખરીદ્યા હોવાની કબૂલાત પણ કરી છે. આરોપીઓ પાસેથી રોકડા 1.30 લાખ અને ડિજિટલ પુરાવાઓથી ભરેલા સ્માર્ટફોન જપ્ત કરી વડોદરા ખાતે આતંકીઓની જે કાશ્મીરી કનેક્શન સાથે ગુપ્ત બેઠક થઈ હતી તે દિશામાં અને પાકિસ્તાનના અન્ય આતંકી આફરીન કુરેશીની ભૂમિકા અંગે ATS એ કડક તપાસ તેજ કરી છે.

Exit mobile version