મુંબઈ, 29 મે 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 માં અત્યંત નિરાશાજનક પ્રદર્શન બાદ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે ટીમની કપ્તાની છોડવાનો મોટો નિર્ણય લીધો છે. દરમિયાન ટીમ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, પંતે જાતે જ કેપ્ટન પદની જવાબદારીઓમાંથી મુક્ત થવાની વિનંતી કરી હતી, જેને મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક અસરથી સ્વીકારી લેવામાં આવી છે. લખનૌ સુપર જાયન્ટ્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ ટોમ મૂડીએ આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, પંતે જાતે ટીમ મેનેજમેન્ટ સમક્ષ કેપ્ટન્સી છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ટોમ મૂડીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, ઋષભ પંતે ફ્રેન્ચાઇઝીને કેપ્ટન્સીમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી અને તેમણે સન્માનપૂર્વક તેનો સ્વીકાર કર્યો છે. તેમણે ઉમેર્યું કે આવા નિર્ણયો ક્યારેય સરળ હોતા નથી. એક કેપ્ટન તરીકે ઋષભે ડ્રેસિંગ રૂમમાં જે યોગદાન આપ્યું છે, તેના માટે ટીમ આભારી છે અને હવે તેમનું સંપૂર્ણ ધ્યાન ટીમના પુનર્નિર્માણ અને ભવિષ્યમાં વધુ સારા પ્રદર્શન પર કેન્દ્રિત છે.
આઈપીએલ 2025 ની મેગા હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને રેકોર્ડ 27 કરોડ રૂપિયાની માતબર રકમ આપીને ખરીદ્યો હતો. ફ્રેન્ચાઇઝીને તેની પાસેથી ઘણી મોટી અપેક્ષાઓ હતી, પરંતુ કેપ્ટન તરીકેનો તેનો કાર્યકાળ અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહીં. પંતની કેપ્ટન્સીમાં લખનૌની ટીમનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું. આઈપીએલ 2025 ની સિઝનમાં ટીમે 14 મેચમાંથી માત્ર 6 મેચ જીતી હતી. ત્યારબાદ, આઈપીએલ 2026 માં સ્થિતિ વધુ કથળી હતી, જેમાં ટીમ 14 મેચમાંથી માત્ર 4 મેચ જ જીતી શકી અને 10 મેચ હારીને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે છેલ્લા સ્થાને રહી હતી. એકંદરે, ઋષભ પંતની કપ્તાનીમાં લખનૌએ રમેલી કુલ 28 મેચોમાંથી માત્ર 10 મેચમાં જ જીત મેળવી હતી.
-
બેટિંગમાં પણ જોવા મળી નિરંતરતાની કમી
કેપ્ટન્સીના દબાણની અસર ઋષભ પંતના વ્યક્તિગત પ્રદર્શન પર પણ સ્પષ્ટ જોવા મળી હતી. એક બેટ્સમેન તરીકે પણ તે પોતાની જૂની લયમાં જોવા મળ્યો ન હતો. આંકડાઓ પર નજર કરીએ તો, આઈપીએલ 2025 માં તેણે 14 મેચ રમીને માત્ર 269 રન બનાવ્યા હતા. જ્યારે આઈપીએલ 2026 માં તેના બેટમાંથી 14 મેચમાં કુલ 312 રન નીકળ્યા હતા. આ બંને સિઝનમાં તેની ઇનિંગ્સમાં નિરંતરતાનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો, જે ટીમના ખરાબ પ્રદર્શનનું એક મોટું કારણ બન્યું હતું.
હાલમાં, લખનૌ સુપર જાયન્ટ્સે નવા કેપ્ટનના નામની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, ક્રિકેટ જગતમાં એવી ચર્ચા છે કે આગામી દિવસોમાં ફ્રેન્ચાઇઝી ટીમના નવા નેતૃત્વ અંગે મોટો નિર્ણય લઈ શકે છે. હવે ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોની નજર એ વાત પર ટકેલી છે કે આગામી સિઝનમાં લખનૌની કમાન કયા ખેલાડીને સોંપવામાં આવશે.

