તેહરાન, 22 એપ્રિલ 2026: ઈરાનના સંસદે હોર્મુઝ પર કન્ટ્રોલને લઈને 12 પોઈન્ટનું એક બિલ તૈયાર કર્યું છે. સંસદની મંજુરી બાદ ઈરાન કાનૂનની રીતે હોર્મુઝ ઉપર કન્ટ્રોલ કરી શકશે. આ મુસદો એવા સમયે તૈયાર કરવામાં આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાનના પ્રયાસો થઈ રહ્યાં છે. આ લાગુ થયા બાદ સૌથી વધારે નુકસાન ઈઝરાયલ અને તેના નજીકના દેશોને થશે. જેમાં ગ્રીસ, યુએઈ અને સોમાલીલેન્ડનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈરાને આ પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે, જેમાં હોર્મુઝને પોતાનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે. ઈઝરાયલના મિત્ર દેશોએ પોતાના જહાજોને પસાર કરવા માટે ઈરાનની સર્વોચ્ચ પરિષદની મંજુરી લેવી પડશે.
પ્રસ્તાવમાં વધુમાં જણાવાયું છેકે, જો જહાજને હોર્મુઝમાંથી પસાર થતી વખતે કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને તાત્કાલિક જપ્ત કરવામાં આવશે. જે બાદ જહાજને ઈરાનના બંદર ઉપર લાવવામાં આવશે. અહીં 20 ટકા કાર્ગોને કસ્ટમ ડ્યુટી તરીકે ઉતારવામાં આવશે. આ પછી, જહાજને તેના ગંતવ્ય સ્થાન પર જવાની મંજૂરી આપવામાં આવશે. ઈરાનના સાંસદ મોહમ્મદ રઝા રૈજાયી કુચીના જણાવ્યા અનુસાર જહાજોને હોર્મુઝમાંથી પસાર થવા માટે ઈરાની રિયાલ ટોલ તરીકે ચુકવવી પડશે. આ માટે કેટલા નાણા લેવામાં આવશે તે જહાજ જોઈને નક્કી કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે દેશ ફારસની ખાડીને યોગ્ય રીતે નથી જોતા આ દેશો ઈરાનના દુશ્મન છે. ઈરાન સરકારે જે નવો મુસદ્દો તૈયાર કર્યો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, જે પણ જહાજ ઓમાન સીમા પાસેથી પસાર થશે તો તેની પાસેથી કોઈ ટોલ લેવામાં આવશે નહીં. આ રસ્તો જહાજોને પસાર થવા માટે સરળ નથી, કેમ કે, ઓમાનનો કિનારે પાણી ઓછુ છે અને તે છીછરો ભાગ છે. આ ઉપરાંત ઈરાન જે દેશોને મિત્ર દેશ માને છે તેમના જહાજો પાસેથી કોઈ ટેલ વસુલવામાં આવશે નહીં. એનો અર્થ એ છે કે, ભારત અને ચીન જેવા મિત્ર દેશોના જહાજો પાસેથી કોઈ ટોલ લેવામાં નહીં આવે.

