Site icon Revoi.in

ઈરાને હોર્મુઝ જલમાર્ગ પર ભારત સહિત 5 મિત્ર દેશના જહાજોને આપી મંજુરી

Social Share

તેહરાન, 26 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષ અને દરિયાઈ સરહદો પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ઈરાને ભારત માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક જાહેરાત કરી છે. રણનીતિક દૃષ્ટિએ વિશ્વના સૌથી મહત્વના ગણાતા ‘હોર્મુઝ જલડમરુમધ્ય’માંથી પસાર થવા માટે ઈરાને ભારત સહિત પાંચ મિત્ર દેશોના જહાજો પરના તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સરકારી ટેલિવિઝનને આપેલા એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે, હોર્મુઝ જલમાર્ગને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો નથી. ઈરાને તેના મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતા દેશોને આ માર્ગનો ઉપયોગ કરવાની વિશેષ છૂટ આપી છે.

ઈરાની વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, જે દેશોને ઈરાન ‘મિત્ર’ માને છે તેવા દેશોના વ્યાપારી જહાજો સુરક્ષિત રીતે આ માર્ગ પરથી પસાર થઈ શકશે. આ યાદીમાં ભારત ઉપરાંત ચીન, રશિયા, પાકિસ્તાન અને ઈરાકનો સમાવેશ થાય છે. અરાઘચીએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, “શત્રુ દેશોને આ જલમાર્ગનો ઉપયોગ કરવા દેવાનું કોઈ કારણ નથી. અમે માત્ર ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાનને જ અહીંથી આવવા-જવાની પરવાનગી આપી છે.” ઈરાને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જે દેશો વર્તમાન સંઘર્ષમાં ભૂમિકા ભજવી રહ્યા છે અથવા ઈરાન માટે શત્રુ સમાન છે, તેમના માટે આ માર્ગ બંધ રહેશે. અરાઘચીએ ઉમેર્યું કે, સંયુક્ત રાજ્ય અમેરિકા, ઈઝરાયેલ અને કેટલાક ખાડી દેશો જે આ સંકટમાં સામેલ છે, તેમના જહાજોને હોર્મુઝ જલમાર્ગમાંથી પસાર થવા દેવામાં આવશે નહીં.

હોર્મુઝ જલડમરુમધ્ય એ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા ટ્રાન્ઝિટ રૂટ પૈકીનો એક છે. વિશ્વનો મોટો ભાગનો તેલ અને ગેસનો પુરવઠો આ સાંકડા દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. દાયકાઓ પછી આ ક્ષેત્રમાં ઈરાને પોતાનું સાર્વભૌમત્વ પ્રદર્શિત કર્યું છે. વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે, અગાઉ જ્યારે ઈરાને આ માર્ગની આંશિક નાકાબંધીની જાહેરાત કરી હતી ત્યારે દુનિયાએ તેને હળવાશથી લીધી હતી, પરંતુ હાલની પરિસ્થિતિએ સાબિત કરી દીધું છે કે ઈરાન આ રણનીતિક માર્ગ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાની ક્ષમતા ધરાવે છે.

આ પણ વાંચોઃ જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી

Exit mobile version