Site icon Revoi.in

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું

Social Share

તેહરાન, 23 એપ્રિલ 2026: વૈશ્વિક સુરક્ષા અને આર્થિક પડકારો વચ્ચે ઈરાને એક અત્યંત વિવાદાસ્પદ અને મોટો નિર્ણય લીધો છે. ઈરાની સંસદના સેકન્ડ ઉપાધ્યક્ષ અને સમાચાર એજન્સી AFP ના અહેવાલ મુજબ, ઈરાને વિશ્વના સૌથી વ્યૂહાત્મક જળમાર્ગ ‘હોર્મુઝની સામુદ્રધુની’માંથી પસાર થતા વ્યાપારી જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કરી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણીને ફગાવીને ઈરાને આ માર્ગને ‘તેહરાન ટોલ બૂથ’ માં ફેરવી દીધો છે.

ઈરાન પર લાગેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો વચ્ચે પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું મનાય છે. શિન્હુઆ ન્યૂઝના અહેવાલ મુજબ, આ ટોલ દ્વારા ઈરાનને વાર્ષિક 70 થી 80 અબજ ડોલરની જંગી આવક થવાનો અંદાજ છે. ઈરાને સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેણે તેના પ્રથમ ટોલની આવક પણ મેળવી લીધી છે, જોકે આ ટેક્સ કયા દેશના જહાજે ચૂકવ્યો છે તેની ઓળખ હજુ ગુપ્ત રાખવામાં આવી છે.

હોર્મુઝની સામુદ્રધુની એ સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને ઈરાક જેવા અખાતી દેશોને ખુલ્લા સમુદ્ર સાથે જોડતો એકમાત્ર રસ્તો છે. દુનિયાનું આશરે 20 થી 30 ટકા કાચું તેલ આ માર્ગેથી પસાર થાય છે. ઈરાનનો આ દાવો યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સીના નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. આ નિયમ મુજબ, હોર્મુઝ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે જ્યાં તમામ જહાજોને ‘શાંતિપૂર્ણ પારગમન’નો અધિકાર છે.

જો ઈરાન દરેક જહાજ પાસેથી ટોલ વસૂલવાનું ચાલુ રાખશે, તો તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. એક અંદાજ મુજબ, દરેક તેલ ટેન્કર પાસેથી ઈરાન આશરે 16થી 17 કરોડ રૂપિયા વસૂલશે, જેનાથી પ્રતિ બેરલ તેલની કિંમતમાં 1 ડોલરનો વધારો થઈ શકે છે. શિપિંગ ખર્ચ, વીમો અને ટ્રાન્ઝિટ ખર્ચ વધવાને કારણે વૈશ્વિક બજારમાં ચીજવસ્તુઓ મોંઘી થશે. અગાઉ તણાવને કારણે ક્રૂડ 100 થી 126 ડોલર સુધી પહોંચ્યું હતું, હવે ટોલ ટેક્સને કારણે કિંમતો ફરી આસમાને પહોંચી શકે છે.

અગાઉ ઈરાનના વિદેશ મંત્રીએ આ જળમાર્ગ ખુલ્લો રાખવાની વાત કરી હતી, પરંતુ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના દબાણ હેઠળ તે નિવેદન બદલી નાખવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર અમેરિકા અને અન્ય શક્તિશાળી દેશોના પ્રતિસાદ પર છે, કારણ કે આ નિર્ણયથી નેવિગેશનની સ્વતંત્રતા સામે મોટો ખતરો ઉભો થયો છે.

આ પણ વાંચોઃ લખીમપુર ખેરીમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી જતાં પાંચ લોકોના મોત અને 22 ઘાયલ

Exit mobile version