Site icon Revoi.in

હવે હોર્મુઝની ખાડી પર ઈરાનનું કોઈ નિયંત્રણ નથી: ટ્રમ્પ

Social Share

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ૩ અમેરિકી સૈનિકોના શહીદ થવાના શોક અને સન્માનમાં અમેરિકી દળોએ ઈરાન પર ફરીથી હુમલા કર્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ સૈનિકો ઈરાનને પરમાણુ હથિયાર મેળવતું અટકાવવા માટે લડી રહ્યા હતા. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ઈરાનને સૈન્ય મોરચે ભારે નુકસાન થયું છે અને હવે હોર્મુઝની ખાડી પર ઈરાનનું કોઈ નિયંત્રણ નથી. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની ટૂંકી વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમેરિકાએ આજે રાત્રે ફરીથી ઈરાન પર ખૂબ જ ભીષણ હુમલો કર્યો છે, અને આ કાર્યવાહી કદાચ શહીદ થયેલા આપણા ત્રણ મહાન દેશભક્તોના સન્માનમાં કરવામાં આવી છે.” જોકે, તેમણે આ સૈનિકોની ઓળખ કે તેમના મૃત્યુના સંજોગો વિશે કોઈ વિગતવાર માહિતી આપી ન હતી.

ઈરાનની વર્તમાન સ્થિતિ વિશે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે, “ઈરાનને અત્યંત ગંભીર નુકસાન પહોંચ્યું છે. સૈન્ય રીતે તેઓ લગભગ બધું જ ગુમાવી ચૂક્યા છે. તેમની પાસે હવે માંડ થોડી મિસાઇલો, ડ્રોન અને નહિવત ઉત્પાદન ક્ષમતા જ બચી છે.” ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ જળમાર્ગ હવે અમેરિકાના નિયંત્રણ હેઠળ છે, જ્યાંથી વિશ્વભરની ઓઈલ અને ગેસ શિપિંગનો મોટો હિસ્સો પસાર થાય છે. તેમણે કહ્યું, “અમે હોર્મુઝની ખાડી પર નિયંત્રણ ધરાવીએ છીએ; હવે ઈરાન કશું જ નિયંત્રિત કરી શકતું નથી.”

કેનેડાથી યુએસ તરફ આવી રહેલા જંગલની આગના ધુમાડા અંગે કેનેડિયન વડાપ્રધાન માર્ક કાર્ને સાથે થયેલી વાતચીત વિશે ટ્રમ્પે જણાવ્યું હતું કે, “આપણે આ આગને રોકવી જ પડશે, જે આપણા હવામાં ઝેર ફેલાવી રહી છે. જો આપણે તેમને મદદ કરી શકીએ તો કરીશું, પરંતુ કદાચ તેમણે આપણને કોઈ નુકસાની વળતર ચૂકવવું જોઈએ અથવા આપણે ટેરિફ લાદવા જોઈએ.” આ ઉપરાંત, સ્પેન સામેના ફીફા વર્લ્ડ કપ વિજય બાદ તણાવના સવાલ પર ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેમને કોઈની સાથે પણ કોઈ તણાવ નથી.

પર્શિયન ગલ્ફને ઓમાનની ખાડી અને અરબી સમુદ્ર સાથે જોડતી હોર્મુઝની ખાડી દુઃનિયાના સૌથી સંવેદનશીલ ઉર્જા કોરિડોરમાં સામેલ છે. આ ક્ષેત્રમાં સૈન્ય સંઘર્ષ ચાલુ રહેવાથી વૈશ્વિક શિપિંગને અસર થઈ શકે છે અને ભારત જેવા ઓઈલની આયાત કરતા દેશો પર વૈશ્વિક ઊર્જા કિંમતો વધવાનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે.

Exit mobile version