વોશિંગ્ટન, 28 માર્ચ 2026: મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સૈન્ય અને વ્યૂહાત્મક મોરચે મોટી જીત મેળવી હોવાનો દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીત અને મિયામીમાં આયોજિત ‘ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિયેટિવ પ્રાયોરિટી સમિટ’માં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે, અમેરિકી દબાણને કારણે હવે ઈરાન વાતચીતની ટેબલ પર આવવા તૈયાર થયું છે.
એરફોર્સ વનથી ઉતર્યા બાદ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, “ઈરાન અત્યંત નબળું પડી ગયું છે અને તે હવે સમજૂતી કરવા માંગે છે. અમે જે સૈન્ય લક્ષ્યો ચાર અઠવાડિયામાં પૂરા કરવાના નક્કી કર્યા હતા, તે માત્ર બે અઠવાડિયામાં જ હાંસલ કરી લીધા છે.” ટ્રમ્પના મતે, અમેરિકાનું સૈન્ય બળ અત્યારે વિશ્વમાં સૌથી શક્તિશાળી સ્થિતિમાં છે.
ટ્રમ્પે ઈરાનની સૈન્ય ક્ષમતા પર થયેલા પ્રહારની વિગતો આપતા દાવો કર્યો હતો કે, ઈરાનના હથિયારોના જખીરા અને ડ્રોન ઉત્પાદન કેન્દ્રોને એ સ્તરે નષ્ટ કરાયા છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ઈરાની નૌકાદળ લગભગ ખતમ થઈ ચૂક્યું છે અને વાયુસેના હવે બેઅસર સાબિત થઈ રહી છે. ઈરાનની હવાઈ સુરક્ષા પ્રણાલી અને સંચાર વ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી ગઈ છે.
રાષ્ટ્રપતિએ મક્કમતાથી જણાવ્યું હતું કે તેઓ વિશ્વના સૌથી મોટા આતંકવાદ-પોષક દેશને ક્યારેય પણ પરમાણુ હથિયાર વિકસાવવા દેશે નહીં. તેમણે ઉમેર્યું કે ઈરાનના અનેક ટોચના નેતાઓ માર્યા ગયા છે, જેના કારણે ત્યાંનું નેતૃત્વ વેરવિખેર થઈ ગયું છે. આ સતત લશ્કરી કાર્યવાહી અને આર્થિક દબાણનું જ પરિણામ છે કે હવે ઈરાન ચર્ચા માટે તૈયાર છે.
આ પણ વાંચોઃ PM-CM તથા મંત્રીઓ ગંભીર ગુનામાં 30 દિવસ જેલમાં રહે તો પદ ઉપરથી દૂર થશે, સંસદીય સમિતિ રિપોર્ટ આપશે

