Site icon Revoi.in

ઈરાન યુદ્ધની અસર, ભારતમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમતમાં રૂ. 2.30નો વધારો

Social Share

નવી દિલ્હી, 20 માર્ચ 2026: જો તમે તમારી કાર કે બાઇકમાં હાઇ-પરફોર્મન્સ માટે પ્રીમિયમ પેટ્રોલનો ઉપયોગ કરો છો, તો તમારા બજેટને હવે અસર કરી શકે છે. આજે એટલે કે 20 માર્ચ, 2026 થી દેશની સરકારી તેલ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. રિપોર્ટ અનુસાર, પ્રીમિયમ ફ્યુઅલ પર પ્રતિ લિટર 2 રૂપિયાથી લઈને 2.30 રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા ભાવ આજે સવારે 6 વાગ્યાથી જ દેશભરમાં લાગુ થઈ ગયા છે.

કિંમતોમાં આ વધારો મુખ્યત્વે હાઇ-ગ્રેડ બ્રાન્ડેડ ફ્યુઅલ પર કરવામાં આવ્યો છે. જેમાં HPCL  ‘પાવર’  પેટ્રોલ અને IOCLના ‘એક્સપી95’ (XP95) પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. સામાન્ય રીતે મોંઘી કાર અને આધુનિક સ્પોર્ટ્સ બાઇક ધરાવતા લોકો એન્જિનની સારી લાઈફ અને સ્મૂધ પરફોર્મન્સ માટે આ પ્રીમિયમ પેટ્રોલને પ્રાધાન્ય આપે છે. હવે આ વધારા બાદ મધ્યમ વર્ગ અને પ્રીમિયમ વાહન માલિકોના માસિક બજેટમાં વધારો થવો નક્કી છે.

પેટ્રોલના ભાવ વધારા પાછળ વૈશ્વિક કારણો જવાબદાર હોવાનું કહેવાય છે. હાલમાં મધ્ય પૂર્વના દેશોમાં ભારે ભૂ-રાજકીય તણાવ ચાલી રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય અસ્થિરતાને કારણે ક્રૂડ ઓઈલના સપ્લાય અને કિંમતો પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારની આ અસરને સંતુલિત કરવા માટે ભારતીય તેલ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કરવો પડ્યો છે.

આ ભાવ વધારા વચ્ચે સામાન્ય જનતા માટે એક રાહતના સમાચાર પણ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે કિંમતોમાં આ ફેરફાર માત્ર પ્રીમિયમ પેટ્રોલ સુધી જ મર્યાદિત છે. જો તમે તમારા વાહનમાં સામાન્ય પેટ્રોલ ભરાવો છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. રેગ્યુલર પેટ્રોલની કિંમતોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, જે સામાન્ય વાહનચાલકો માટે મોટી રાહત સમાન છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીને લીધે ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું

Exit mobile version