Site icon Revoi.in

ઈરાનનું એરસ્પેસ બંધ: ઉડ્ડયનો રદ થતા મુસાફરો અટવાયા

Social Share

નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: ઈરાનમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો અને પશ્ચિમી દેશો સાથેના વધતા જતા સૈન્ય તણાવને પગલે ઈરાને પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) બંધ કરી દીધું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની રાષ્ટ્રીય વિમાની સેવા ‘એર ઈન્ડિયા’એ ઈરાન પરથી પસાર થતી તેની તમામ ફ્લાઈટ્સના રૂટ બદલવાનો નિર્ણય કર્યો છે. સુરક્ષાના કારણોસર લેવાયેલા આ નિર્ણયથી અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના શિડ્યુલ ખોરવાયા છે.

એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, મુસાફરોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. જે રૂટ બદલવા શક્ય ન હતા તેવી કેટલીક ફ્લાઈટ્સને રદ કરી દેવામાં આવી છે. એરલાઇન્સે મુસાફરોને વિનંતી કરી છે કે એરપોર્ટ પહોંચતા પહેલા એર ઈન્ડિયાની વેબસાઈટ પર પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લેવું જેથી બિનજરૂરી મુશ્કેલીથી બચી શકાય.

ગુરુવારે સવારે ઈરાન સરકારે કોઈ પણ નક્કર કારણ આપ્યા વગર કોમર્શિયલ વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાનો સમયગાળો લંબાવી દીધો છે. અગાઉ આ પ્રતિબંધ માત્ર બે કલાક માટે હતો, જે હવે સ્થાનિક સમય મુજબ સવારે 7:30 વાગ્યા સુધી વધારી દેવામાં આવ્યો છે. ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનોને ડામવા તેહરાન જે કડક વલણ અપનાવી રહ્યું છે તેનાથી અમેરિકા સાથેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

ઈરાનના અધિકારીઓએ ચેતવણી આપી છે કે વિરોધ પ્રદર્શનમાં ધરપકડ કરાયેલા શંકાસ્પદોને ટૂંક સમયમાં ફાંસીની સજા આપવામાં આવશે. આ સાથે જ ઈરાને સીધી ધમકી ઉચ્ચારી છે કે જો અમેરિકા કે ઈઝરાયેલ તેમના આંતરિક મામલામાં દખલગીરી કરશે તો તે જડબાતોડ જવાબી કાર્યવાહી કરશે. બીજી તરફ, અમેરિકાએ કતારમાં આવેલા તેના લશ્કરી મથક પરથી કેટલાક સૈનિકોને ખસી જવા માટે એડવાઈઝરી જારી કરી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનો બાદ ઈરાન વિરુદ્ધ અમેરિકા શું પગલાં લેશે તેને લઈને વિશ્વભરમાં અટકળો તેજ બની છે.

ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન દ્વારા જારી કરાયેલી ‘નોટિસ ટુ એરમેન’ (NOTAM) મુજબ, તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે ઈરાની એરસ્પેસ હાલ પ્રતિબંધિત રહેશે. આ સ્થિતિને કારણે એશિયા અને યુરોપ વચ્ચેની હવાઈ કનેક્ટિવિટીને મોટી અસર પડી રહી છે, કારણ કે ઈરાનનો રૂટ વૈશ્વિક ઉડ્ડયન માટે અત્યંત મહત્વનો છે.

આ પણ વાંચોઃભારતીય સેના નિઃસ્વાર્થ સેવા અને અતૂટ સંકલ્પનું પ્રતીક: PM મોદી

 

Exit mobile version