તહેરાન, 21 જાન્યુઆરી 2026: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. અમેરિકા તરફથી જીવનું જોખમ હોવાની આશંકા વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) અયાતુલ્લા અલી ખોમેનાઈ ફરી એકવાર ગુપ્ત બંકરમાં શરણ લેવા મજબૂર થયા છે. છેલ્લા 7 મહિનામાં આ બીજી વખત છે જ્યારે ખોમેનાઈએ અમેરિકી હુમલાના ડરથી જાહેર જીવનમાંથી હટીને સુરક્ષિત બંકરમાં આશરો લીધો છે. બીજી તરફ હિંસાગ્રસ્ત ઈરાનને ચારેય બાજુથી ઘેરવાની અમેરિકાની તૈયારીઓ ચાલી રહી છે.
અહેવાલ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિએ તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું કે જો ઈરાન તેની ગતિવિધિઓ બંધ નહીં કરે તો ખોમેનાઈની હાલત પણ કાસિમ સુલેમાની કે અબુ બક્ર અલ બગદાદી જેવી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ આ બંને આતંકી નેતાઓને ટાર્ગેટ ઓપરેશનમાં ઠાર કર્યા હતા. ઈરાને આ ધમકીને અત્યંત ગંભીરતાથી લઈને ખોમેનીને તુરંત તેહરાન નજીક આવેલા અભેદ્ય બંકરમાં ખસેડ્યા છે.
તાજેતરમાં અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને તેમના નિવાસસ્થાનેથી ઉઠાવીને જેલમાં ધકેલી દીધા છે. અમેરિકાએ માદુરો પર ડ્રગ્સ કાર્ટેલ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના બાદ ઈરાનને ડર છે કે અમેરિકા ખોમેની વિરુદ્ધ પણ આવું જ કોઈ સાહસ કરી શકે છે.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન આ મુદ્દે આક્રમક મૂડમાં છે. તેમણે ચેતવણી આપી છે કે જો સુપ્રીમ લીડર પર કોઈ પણ પ્રકારનો હુમલો થયો, તો તેહરાન તેને સીધું ‘યુદ્ધ’ માનશે અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. અગાઉ જૂન 2025માં પણ ઈઝરાયેલ-અમેરિકાના હુમલા સમયે ખોમેનાઈ 21 દિવસ સુધી બંકરમાં રહ્યા હતા. ઈરાની મીડિયા મુજબ, ખોમેની છેલ્લે 17 જાન્યુઆરીએ જાહેરમાં દેખાયા હતા, જ્યાં તેમણે અમેરિકા અને ઈઝરાયેલ પર આકરા પ્રહારો કર્યા હતા.
હાલમાં તેહરાન અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા લોખંડી કરી દેવામાં આવી છે. વૈશ્વિક સમુદાય આ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યો છે કારણ કે આ તણાવ વિશ્વયુદ્ધ તરફ દોરી જવાની આશંકા સેવાઈ રહી છે.

