Site icon Revoi.in

રાજ્યમાં રવિપાક માટે શનિવારથી કેનાલો દ્વારા ખેડુતોને સિંચાઈનું પાણી અપાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં સારા વરસાદ પછી જળાશયોમાં સારો જળજથ્થો ઉપલબ્ધ છે, ત્યારે ખેડૂતોને શિયાળુ પાક માટે આગામી 30 ઓક્ટોબરથી સિંચાઇનું પાણી આપવામાં આવશે જ્યારે વરસાદ નુકશાની માટે પ્રથમ તબક્કાનું પેકેજ જાહેર થયા બાદ બાકીના જિલ્લાઓમાં સર્વે ચાલુ છે જે કામગીરી ખત્મ થયા બાદ વધારાની સહાય આપવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે.

. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને રવિ-શિયાળુ પાક માટે આગામી તા.30 ઓક્ટોબર-શનિવારથી સિંચાઇનું પાણી આપવામાં આવશે. રાજ્યમાં દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાણીની ઉપલબ્ધતા મુજબ સિંચાઇનું પાણી ખેડૂતોને આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.  મુખ્યમંત્રીએ ખાદીની ખરીદી ઉપર અપાતી 20 ટકા વળતરની મુદતને તા. 2 ઓક્ટોબરથી 90 દિવસ માટે વધારવાની પણ આજે જાહેરાત કરી છે. જેનાથી ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશનના વડાપ્રધાનના મંત્રને ચરિતાર્થ કરી શકાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને વાહન વ્યવહાર સંબંધી સેવાઓ ઓછા ખર્ચે અને વધુ સરળતાથી મળે તે માટે વિવિધ સેવાઓ ઓનલાઇન પૂરી પાડવામાં આવી રહી છે જે અંતર્ગત ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત ચાર સેવાઓ હવેથી ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે પણ પૂરી પડાશે. રાજ્યના નાગરિકો ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ, ડ્રાઈવિંગ લાયસન્સનું રિન્યુઅલ, ડ્રાઈવિંગ લાયસન્સ ઈન્ફોર્મેશન અને ડ્રાઈવિંગ લાયસન્સ રિપ્લેશમેન્ટ એમ ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત ચાર સેવાઓનો લાભ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી લઈ શકશે. નાગરિકો આ સેવાઓનો લાભ પંચાયતના ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી રૂ. 20ના ટોકને લઈ શકશે. આ સિવાય સ્થળ પર જ જરૂરી દસ્તાવેજોની પૂર્તતા અંગે માર્ગદર્શન પણ અપાશે.

તેમણે ઉમેર્યું હતું  કે, બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા બિન અનામત આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. આ આયોગ દ્વારા દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે, JEE, NEET માટે કોચિંગ લોન, વિદેશ અભ્યાસ લોન સહિતની સહાય પૂરી પાડવામાં આવે છે. આ માટે રાજ્ય સરકારે આ વર્ષે પણ રૂ.500 કરોડની જોગવાઈ કરી છે જેનો વધુને વધુ વિદ્યાર્થીઓને લાભ લેવા તેમણે અપીલ કરી હતી. આ માટે વિદ્યાર્થીઓએ તા. 21 નવેમ્બર 2021થી તા. 31 ડિસેમ્બર 2021 સુધી ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. રાજય સરકારે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ‘ઇ-ગ્રામ સેન્ટર’ને શ્રમિકોની નોંધણીના હેતુથી ‘શ્રમિક સહાયતા કેન્દ્ર’ જાહેર કરવાનો ઉમદા નિર્ણય લીધેલ છે.