Site icon Revoi.in

ISIની મહિલા એજન્ટે રાજસ્થાનમાં એક સરકારી કર્મચારીને હનીટ્રેપમાં ફસાવ્યોઃ આર્મીની મહત્વની માહિતી મેળવી

Social Share

દિલ્હીઃ પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈ પોતાના જાસુસો મારફતે ભારતીય આર્મીની જાસુસી કરાવતા હોવાનું અવાર-નવાર સામે આવ્યું છે. હવે જાસુસી માટે આઈએસઆઈ મહિલાઓને ઉપયોગ કરતા થઈ ગયા હતા. આઈએસઆઈની મહિલા એજન્ટે  રાજસ્થાનના જયપુરમાં રેલવે પોસ્ટ સર્વિસના કાર્યાલયમાં ફરજ બજાવતા કર્મચારીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. તેમજ તેના મારફતે ભારતીય આર્મીની જાસુસી કરાવી હોવાનું સામે આવ્યું છે. ભારતીય સેનાના મહત્વના સિક્રેટ ડોક્યુમેન્ટના ફોટો ખેંચીને વૉટ્સઅપ દ્વારા પાકિસ્તાની હેન્ડલર પર મોકલતો હતો.

જયપુરના મિલિટ્રી ઇન્ટેલિજન્સ, દક્ષિણ વિભાગ અને સ્ટેટ ઇન્ટેલિજન્સ દ્વારા એક સંયુક્ત અભિયાનમાં ભરત ગોદારા નામના એક વ્યક્તિની જાસૂસીમાં સંડોવણી સબબ ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ મહિલા એજન્ટ સાથે સતત સંપર્કમાં હતા. આરોપી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની મહિલા એજન્ટના હનીટ્રેપમાં ફસાયા બાદ ભારતીય સેનાના મહત્વના સિક્રેટ ડોક્યુમેન્ટના ફોટો ખેંચીને વૉટ્સઅપ દ્વારા પાકિસ્તાની હેન્ડલર પર મોકલતો હતો.

લગભગ ચાર પાંચ મહિના પૂર્વે તેના મોબાઈલ પર ફેસબુક મેસેંજર પર એક મહિલાનો મેસેજ આવ્યો હતો. થોડા દિવસો બાદ બંને વૉટ્સઅપ પર વોઇસકોલ અને વિડીયો કોલથી વાતચીત કરવા લાગ્યા હતા. મહિલાએ પોર્ટ બ્લેરમાં નર્સિંગ બાદ એમબીબીએસની તૈયારી કરવાની વાત કરી હતી. પોતાના કોઈ સંબંધી જયપુર સ્થિત કોઈ સારા આર્મી યુનિટમાં ટ્રાન્સફર થયા હોવાના બહાને આરોપી ધીમે ધીમે આર્મી સંબંધિત પોસ્ટના ફોટોઝ મગવતી હતી. મહિલા એજન્ટે આરોપીને જયપુર આવીને મળવા અને સાથે ફરવા માટે અને સાથે રોકાવાની લોભમણી ઓફર કરીને ફોટોઝ મોકલવાનું શરૂ કર્યું હતું.

આરોપીએ મહિલા મિત્રના કહેવા પર પોતાના નામ પર એક સીમ અને મોબાઈલ નંબર અને વોટ્સઅપ માટે એક ઓટીપી પણ શેર કર્યો હતો. આ ભારતીય નંબરના ઉપયોગથી એક પાકિસ્તાની મહિલા એજન્ટ અન્ય નામનો ઉપયોગ કરી બીજા આર્મી જવાનોને પોતાના જાળમાં ફસાવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. મૂળ જોધપુરનો રહેવાસી ભરત ગોદારા ત્રણ વર્ષ પહેલા જ એમટીએસ પરીક્ષા પાસ કરીને રેલવે પોસ્ટ સર્વિસના જયપુર સ્થિત કાર્યાલયમાં આવ્યા હતા. જ્યાં તે આવતી જતી પોસ્ટનું વર્ગીકરણ કરતોં હતો.