તેલ અવીવ, 2 ફેબ્રુઆરી 2026: ઈઝરાયેલી સંરક્ષણ દળોએ (IDF) એક મોટી સફળતા મેળવતા લેબનાનના આતંકી સંગઠન હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર અલી દાઉદ અમિચને ઠાર માર્યો છે. અલી દાઉદ હિઝબુલ્લાહના એન્જિનિયરિંગ વિભાગમાં બ્રાન્ચ હેડ તરીકે કાર્યરત હતો અને ઈઝરાયેલ વિરુદ્ધ આતંકી કાવતરાં ઘડવામાં તેની મુખ્ય ભૂમિકા હોવાનું મનાય છે.
IDF દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરવામાં આવેલી સત્તાવાર જણાવ્યા અનુસાર, અલી દાઉદ દક્ષિણ લેબનાનના અલ-દ્વાર વિસ્તારમાં સક્રિય હતો. તે હિઝબુલ્લાહના મિલિટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે અગાઉના યુદ્ધમાં નાશ પામ્યું હતું. આ ઉપરાંત, તે ઈઝરાયેલી સૈનિકો પર હુમલા કરવાની યોજનાઓ પણ ઘડી રહ્યો હતો.
ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે, હિઝબુલ્લાહની આ હિલચાલ ઈઝરાયેલ અને લેબનાન વચ્ચે થયેલી સુરક્ષા સમજૂતીનું સીધું ઉલ્લંઘન છે. 2024ના અંતમાં અમેરિકાની મધ્યસ્થીથી બંને દેશો વચ્ચે સીઝફાયર થયો હતો. આ સમજૂતી હેઠળ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે લેબનાની સેના હિઝબુલ્લાહને નિશસ્ત્ર કરશે. લેબનાની સેનાએ પણ 2025ના અંત સુધીમાં તમામ બિન-રાજ્ય સશસ્ત્ર જૂથો પાસેથી હથિયારો છીનવી લેવાની ડેડલાઇન નક્કી કરી હતી.
27 નવેમ્બર 2024 થી સંઘર્ષ વિરામ અમલમાં હોવા છતાં, ઈઝરાયેલ પોતાની સુરક્ષાનો હવાલો આપીને લેબનાનમાં લક્ષિત હુમલાઓ ચાલુ રાખી રહ્યું છે. ઈઝરાયેલી સેનાએ લેબનાન સરહદ પરના પાંચ વ્યૂહાત્મક સ્થળોએ હજુ પણ પોતાનો અડ્ડો જમાવી રાખ્યો છે. ઈઝરાયેલનું કહેવું છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહ સંપૂર્ણપણે નિશસ્ત્ર નહીં થાય અને સીઝફાયરની શરતોનું પાલન નહીં કરે, ત્યાં સુધી તે ખતરો અનુભવતા જ વળતો પ્રહાર કરશે.
આ પણ વાંચોઃ VIDEO: જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાના પ્રારંભે કોંગ્રેસ પ્રમુખના ભાજપ સરકાર ઉપર પ્રહાર

