Site icon Revoi.in

શિક્ષણને અર્થતંત્રની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડવું અનિવાર્ય: નરેન્દ્ર મોદી

Social Share

નવી દિલ્હી, 9 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક અર્થતંત્રના માળખા સાથે સુસંગત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે આહવાન કર્યું હતું કે, બદલાતા સમય સાથે શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશન જેવા વિષયો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

નાણાકીય વર્ષ 2026-27ના બજેટ પર આયોજિત એક વિશેષ વેબિનારને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, “આપણે આપણી શિક્ષણ પ્રણાલીને અર્થતંત્રની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડવાની પ્રક્રિયાને વધુ વેગ આપવો પડશે. હવે AI, ઓટોમેશન, ડિજિટલ ઇકોનોમી અને ડિઝાઇન-આધારિત મેન્યુફેક્ચરિંગ જેવા વિષયો આપણા શિક્ષણના મુખ્ય કેન્દ્રમાં હોવા જોઈએ.” PM મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારત હવે ઇનોવેશન-આધારિત અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે શિક્ષણ, કૌશલ્ય અને ઉદ્યોગ વચ્ચે મજબૂત તાલમેલ હોવો અત્યંત જરૂરી છે. જો યુવાનો ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તૈયાર થશે, તો જ દેશનો વિકાસ ઝડપી બનશે.

શિક્ષણની સાથે વડાપ્રધાને સ્વાસ્થ્ય ક્ષેત્રે થયેલી પ્રગતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આયુષ્માન ભારત યોજના અને ‘આરોગ્ય મંદિર’ દ્વારા સ્વાસ્થ્ય સેવાઓ હવે છેવાડાના ગામડાં સુધી પહોંચી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સેંકડો જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજો ખોલીને આરોગ્ય માળખાને મજબૂત કરવામાં આવ્યું છે. ભારતની પરંપરાગત યોગ અને આયુર્વેદ પદ્ધતિઓ આજે વિશ્વભરમાં લોકપ્રિય બની રહી છે, જે ‘રોકથામ આધારિત અને સમગ્ર સ્વાસ્થ્ય’ ની પરિકલ્પનાને સાકાર કરે છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસોથી બજેટ 2026-27માં સૂચવવામાં આવેલા વિવિધ મુદ્દાઓના અસરકારક અમલીકરણ માટે નિષ્ણાતો અને હિતધારકો સાથે વેબિનાર દ્વારા ચર્ચા કરી રહ્યા છે. આ કડીમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પરનો આ વેબિનાર યોજાયો હતો.

આ પણ વાંચોઃ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ પદ સંભાળતા જ ઈઝરાયેલ પર કર્યો મિસાઈલ હુમલો

Exit mobile version