દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ઈઝરાઈલી દુતાવાસ પાસેથી થયેલા બોમ્બ બ્લાસ્ટની તપાસ સુરક્ષા એજન્સીઓએ આરંભી છે. દરમિયાન આ બ્લાસ્ટની જવાબદારી જૈશ ઉલ હિંદ નામના એક સંગઠને લીધી હોવાનું જાણવા મળે છે. જેથી આ સંગઠન અને તેની સાથે જોડાયેલા લોકોની પોલીસે તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈઝરાઈલી દુતાવાસ પાસે થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી સોશિયલ મીડિયા મારફતે જૈશ ઉલ હિન્દ નામના સંગઠને લીધી છે. કથિત રીતે મેસેજિંગ એપ ટેલીગ્રામના મેસેજ મારફતે આ વાતની પુષ્ટિ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મેસેજમાં કહેવામાં આવ્યુ છે કે, અલ્લાહની કૃપા અને મદદથી જૈશ ઉલ હિન્દના સૈનિકો દિલ્હીના એક ખૂબ સુરક્ષિત વિસ્તારમાં ઘૂસીને આઈઈડી હુમલો કરવામાં સફળ રહ્યા છે. ભારતના મુખ્ય શહેરોને નિશાન બનાવતા હુમલાની આ એક શરૂઆત છે. બીજી તરફ, સુરક્ષા એજન્સીઓ પણ તપાસ કરી રહી છે કે શું આ કોઈ સ્લીપર સેલ તો નથીને. દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ બાદ રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તેમજ આસપાસના વિસ્તારોમાં વાહનોનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.
દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બોમ્બ બનાવવામાં બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બોમ્બ બ્લાસ્ટ બાદ તેમાથી નીકળેલી બોલ બેરિંગથી કેટલીક કારના કાચ તુટ્યાં હતા. જે સ્થળ ઉપર ધમાકો થયો હતો ત્યાંથી લગભગ 25 મીટર દૂર 3 કાર પાર્ક હતી. તેના કાચ બોલ વોયરિંગથી તુટ્યાં હતા. તેમજ કારમાંથી પણ બોલ બેરિંગ મળી આવી હતી.